Gujarat News/ ગુજરાતમાં નવા PNG કનેક્શન તાત્કાલિક આપવાની સરકારની જાહેરાત

ગુજરાત સરકારે LPG ની અછત રોકવા PNG Connection તાત્કાલિક આપવાની જાહેરાત કરી છે. બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે 25 દિવસનો ગાળો રાખવો પડશે. ટોલ ફ્રી નંબર 1800-233-0222 જાહેર.

Top Stories Gandhinagar Gujarat Others
Gujarat Govt PNG Connection Announcement

Gujarat Govt PNG Connection Announcement: રાજ્યમાં ઘરેલું અને કોમર્શિયલ LPG સિલિન્ડરની અછતને કારણે મચેલા હાહાકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક હાઈ-લેવલ બેઠક યોજીને મહત્વના નિર્ણયો લીધા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે ઊભી થયેલી ગેસની તંગીને પહોંચી વળવા હવે સરકાર ‘પાઈપલાઈન ગેસ’ (PNG) પર વધુ ભાર મૂકવા જઈ રહી છે.

PNG Connection માટે તાત્કાલિક લીલી ઝંડી

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં નાગરિકોની સુવિધા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં ગેસ પાઈપલાઈનનું નેટવર્ક પહેલેથી જ ઉપલબ્ધ છે, ત્યાં નવા PNG કનેક્શનની જરૂરિયાત ધરાવતા નાગરિકોને તત્કાલ અસરથી કનેક્શન ફાળવવામાં આવશે. આ પ્રક્રિયામાં ખાસ કરીને હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી કોમર્શિયલ ગેસની અછતની તેમના કાર્ય પર કોઈ અસર ન પડે. વધુમાં, સરકારે જનતાને આશ્વાસન આપતા સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ઘરેલું વપરાશ માટે પાઈપલાઈન ગેસ (PNG) નો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.

LPG માટે નવો ’25 દિવસનો નિયમ’

કેન્દ્ર સરકારના સૂચન મુજબ, ગેસનો બિનજરૂરી સંગ્રહ રોકવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી બે LPG સિલિન્ડરના બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો ગાળો રાખવો પડશે. આનાથી સિલિન્ડરોની કાળાબજારી અટકશે અને જરૂરિયાતમંદ પરિવારોને સમયસર ગેસ મળી રહેશે.

Gujarat Govt PNG Connection Announcement

સહાય માટે ટોલ ફ્રી નંબર જાહેર

જો તમને ઘરેલું LPG સબંધી કોઈ પણ મુશ્કેલી હોય અથવા ફરિયાદ કરવી હોય તો સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે: ટોલ ફ્રી નંબર: 1800-233-0222

કાળાબજારિયાઓ સામે ‘લાલ આંખ’

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર પણ આ મામલે સંપૂર્ણપણે એક્ટિવ થયું છે અને જિલ્લા પુરવઠા અધિકારીએ કડક ચેતવણી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે LPG નો અનધિકૃત સંગ્રહ અને કાળાબજારી કરવી એ ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955’ મુજબ ગંભીર ગુનો બને છે. વહીવટી તંત્ર દ્વારા હવે અમદાવાદની તમામ ગેસ એજન્સીઓ અને ઓઈલ કંપનીઓની વિતરણ વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે જેથી ગેરરીતિ અટકાવી શકાય. વધુમાં, નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ બુકિંગ કરાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ હસમુખ અઢિયા તથા એમ.કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: ગુજરાતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત, હોટલ-રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં!

આ પણ વાંચો: સરકારે LPG સિલિન્ડરોના સંગ્રહને રોકવા માટે ESMA કર્યો લાગુ  

આ પણ વાંચો: LPG સિલિન્ડર મોંઘા, ઘરેલુ સિલિન્ડરમાં ₹60, કોમર્શિયલમાં ₹115નો વધારો,આજથી નવા દર લાગુ