Gandhinagar News/ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયાની શહેરી વિકાસ માટે ફાળવણી, જાણો કોને કેટલી ફાળવણી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ, ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળો અને નાની નગરપાલિકાઓને શહેરીજન જીવન સુવિધા વધારવા માટે ૧૦૦૦.૮૬ કરોડ રૂપિયાની ફાળવણી મંજૂર કરી છે.

Gandhinagar Top Stories Gujarat Breaking News

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel) સમ્યક શહેરી વિકાસની નેમ સાકાર કરતાં રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ, ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત ૧૭ નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. ૧૦૦૦.૮૬ કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત, રાજ્ય સરકારે શહેરી માર્ગો, પાણી પુરવઠા, ગટરો અને ગાર્ડન જેવા વિવિધ ક્ષેત્રોમાં મકસદના કામો માટે ફંડ આપ્યાં છે. આ પૈકી 141.37 કરોડ રૂપિયાની ફાળવણી મુખ્યમંત્રીએ શહેરી માર્ગોને મજબૂત બનાવવા, નવા રસ્તાઓ બનાવવા અને બેસી ગયેલા રોડની મરામત માટે મંજૂર કરી છે.

2010 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) દ્વારા આરંભેલી ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel)ના નેતૃત્વમાં આ યોજના 2026-27 સુધી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત આ ૧૦૦૦.૮૬ કરોડ રૂપિયાના બહુવિધ કામો માટે મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ ૧૪૧.૩૭ કરોડ રૂપિયા મંજૂર થયા છે તેમાં નવી રચાયેલી મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુક્શાનની મરામત અને નવા માર્ગો માટે ૭ કરોડ ૭૫ લાખ સહિત વાઘોડિયા નગરપાલિકા માટે ૪.૪૬ કરોડ, ડભોઇ માટે ૧.૭૫ કરોડ તેમજ ૩ મહાનગરપાલિકાઓ જુનાગઢને રૂ. ૨૫ કરોડ, જામનગરને રૂ. ૪૭.૫૩ કરોડ તથા ભાવનગરને રૂ. ૫૪.૮૮ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં ૭૦:૨૦:૧૦ના ફાળા સાથે ખાનગી સોસાયટીઓમાં પેવર બ્લોક, ઘરગટર જોડાણ, પાણીની પાઇપલાઇન નાખવા જેવા વિવિધ કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત વડોદરા અને ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ ૧.૬૦ કરોડ ઉપરાંત ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓ ધાનેરા, વિરમગામ, દ્વારકા, આણંદ, કડી, નડિયાદ અને માણસા માટે કુલ ૩૪.૭૮ કરોડ મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં સી.સી. રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઇપલાઇન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે જુનાગઢ અને ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત ચોટીલા, ધાનેરા, દહેગામ, ભરૂચ અને પાલનપુર નગરપાલિકાઓને કુલ મળીને ૧૪૮.૧૧ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે. મુખ્યમંત્રીએ આ અન્વયે સમગ્રતયા ૬૧૧.૩૯ કરોડના વિવિધ કામો મંજૂર કર્યા છે. આ કામોમાં અમદાવાદ મહાનગરપાલિકાને ૩૬.૨૭ કરોડ સ્ટોર્મ વોટર લાઈન માટે, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને ૧૮.૨૭ કરોડ અને ઊંઝા નગર પાલિકાને ૪.૭૦ કરોડ મંજુર થયા છે.

વડોદરા શહેરી વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૫૧.૭૨ કરોડ તથા જામનગર, ભાવનગર મહાનગરપાલિકાને અનુક્રમે રૂ. ૨૪૫.૪૮ કરોડ અને ૨૪૬.૬૦ કરોડ તથા જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રૂ. ૮.૩૫ કરોડ મંજુર થયા છે તથા રાધનપુરમાં પાણી પુરવઠાના કામો માટે રૂ.૪૧.૩૪ કરોડને અનુમતિ આપી છે.  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો મહાનગરોની આગવી ઓળખના કામોમાં હેરિટેજ એન્ડ ટુરીઝમ, પ્રદર્શન હોલ, ટ્રાફિક સર્કલ આઇલેન્ડ, વોટર બોડી એન્ડ સ્કેપિંગ, ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક જેવા કામો માટે નાણા ફાળવણી કરવામાં આવે છે. તદઅનુસાર થરા નગરપાલિકાને ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક માટે ૪ કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજુર કર્યા છે. આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ૨૦૧૦થી અત્યાર સુધીમાં ૬૧,૯૭૭ કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે.

આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના ૬૭,૩૬૦ કામો મંજૂર કરીને રૂ. ૩૨,૬૪૭ કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો-નગરો મળી કુલ ૬૪૬૨ કામો માટે રૂ. ૩૧૧૦.૩૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના ૧૨૧૪ કામો માટે રૂ. ૧૮૮૭.૫૬ કરોડ ચૂકવવામાં આવેલા છે. એટલું જ નહીં, આગવી ઓળખના ૨૦૧ કામો માટે રૂ. ૧૫૯૧.૧૧ કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. નગરો, મહાનગરોમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના ૪૩,૮૦૪ કામોને મંજૂરી આપીને રૂ. ૨૪૩૧.૫૧ કરોડની ગ્રાન્ટ આવા લોકહિત કામો માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ

આ પણ વાંચો: ગુજરાતને ટેક્નોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજીક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝન સાથે A.I ટાસ્કફોર્સ રચના કરવામાં આવી

આ પણ વાંચો:  સોજિત્રાથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના નાગરિકોને રૂ.૧૨૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ