Gujarat High Court Abortion Permission 26 Weeks: ગુજરાત હાઈકોર્ટે એક 14 વર્ષની સગીરા સાથે થયેલા દુષ્કર્મના કિસ્સામાં માનવીય અભિગમ અપનાવીને 26 સપ્તાહના ગર્ભને દૂર કરવાની મંજૂરી આપી છે. સામાન્ય રીતે કાયદાકીય રીતે ગર્ભપાતની સમયસીમા વીતી ગઈ હોવા છતાં, પીડિતાની નાની ઉંમર અને તેના માનસિક-શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
તબીબી નિષ્ણાતોના રિપોર્ટ બાદ Abortionની મળી મંજૂરી
કોર્ટે આ નિર્ણય લેતા પહેલા સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજના ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ અને મનોચિકિત્સકોની ટીમ પાસે પીડિતાની તપાસ કરાવી હતી. તબીબોના અભિપ્રાય મુજબ, આટલી નાની ઉંમરે ગર્ભાવસ્થા પીડિતા માટે જોખમી હોઈ શકે છે. આ રિપોર્ટના આધારે હાઈકોર્ટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તાત્કાલિક ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા આદેશ કર્યો છે.
બાળકની જવાબદારી અંગે સરકારને કડક આદેશ
અદાલતે માત્ર ગર્ભપાતની મંજૂરી જ નથી આપી, પરંતુ ભવિષ્યની સ્થિતિ અંગે પણ સ્પષ્ટતા કરી છે. ચુકાદા મુજબ, જો પીડિત પરિવાર બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકારે કિશોર ન્યાય અધિનિયમ (Juvenile Justice Act) હેઠળ બાળકની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી પડશે. આ ઉપરાંત, બાળકને જરૂરી તમામ તબીબી સહાય અને સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી પણ સંપૂર્ણપણે તંત્રની રહેશે.
શું હતો સમગ્ર મામલો?
આ ચકચારી ઘટના અંગે 13 માર્ચ 2026ના રોજ સુરેન્દ્રનગરના મૂળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને પોક્સો (POCSO) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના પરિવારે સગીરાના ભવિષ્યને બચાવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં તેમને ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે વલસાડની સગીરાને 26 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપી
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે મનોદિવ્યાંગ સગીરાને મેડિકલ રિપોર્ટ્સના આધારે આપી ગર્ભપાતની મંજૂરી
આ પણ વાંચો:હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો, દુષ્કર્મ પિડીત સગીરાને આપી ગર્ભપાતની મંજૂરી
