Gujarat News: અમદાવાદના ₹78.99 લાખના સાયબર ક્રાઈમ કેસમાં એક વ્યક્તિને આરોપી બનાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) પોલીસની તપાસ સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. અરજદારે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેની સામે પૂરતા પુરાવા ન હોવા છતાં તેને કેસમાં સંડોવવામાં આવ્યો છે અને ગુનો કબૂલાવવા માટે મારપીટ તથા દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે જસ્ટિસ હસમુખ સુથારે (Justice Hasmukh Suthar) તપાસ અધિકારીને સવાલો કર્યા હતા.
Gujarat High Court: ‘આરોપી ન મળે તો તેના ભાઈને આરોપી બનાવી શકાય નહીં’
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરી હતી કે પોલીસને મળેલી સત્તાનો ઉપયોગ નિર્દોષ લોકોને હેરાન કરવા માટે ન થવો જોઈએ. જો કોઈ મુખ્ય આરોપી હાથ ન લાગે, તો તેના પરિવારના સભ્યને માત્ર સંબંધના આધારે આરોપી બનાવી શકાય નહીં.
કોર્ટે તપાસ અધિકારીને સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટતા કરવા કહ્યું હતું કે અરજદારને કયા પુરાવાના આધારે આરોપી બનાવવામાં આવ્યો છે. જો યોગ્ય ખુલાસો નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેવી ચેતવણી (Ahmedabad News) પણ કોર્ટે આપી હતી.
બેંક ખાતામાં રકમ જમા ન થઈ હોવા છતાં આરોપી બનાવ્યાનો મુદ્દો
અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime Case)ની ઘટનામાં તેના બેંક ખાતામાં કોઈ રકમ જમા થઈ નહોતી, તેમ છતાં તેને કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. તેની સામે ઉપલબ્ધ પુરાવા અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
સરકાર તરફથી પોલીસ ઇન્સ્પેક્ટરનો બચાવ કરવામાં આવતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે તપાસની પદ્ધતિ અંગે સવાલો ઉઠાવીને પૂછ્યું હતું કે પૂરતા આધાર વિના વ્યક્તિને આરોપી બનાવવાનું કારણ શું છે.
તપાસ અધિકારીની કામગીરી સામે હાઈકોર્ટના સવાલો
કોર્ટે સાયબર ક્રાઈમની તપાસમાં પોલીસની જવાબદારી પર ભાર મૂક્યો હતો. કોઈ વ્યક્તિ સામે આરોપ મૂકતાં પહેલાં તેની સામેના પુરાવા અને તપાસની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ તેવી ટકોર કરવામાં આવી હતી.
હાઈકોર્ટની આ ટિપ્પણીઓથી કેસની તપાસ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. હવે તપાસ અધિકારી સોગંદનામામાં શું ખુલાસો કરે છે અને કોર્ટ આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ: બોગસ રિપોર્ટ બદલ હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ હવે સુપ્રીમ કોર્ટમાં, કેન્દ્રનું નોટિફિકેશન જાહેર
આ પણ વાંચો: સેક્સ વર્કર પાસે ગયેલા ગ્રાહક સામે સીધો ગુનો બને? ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
