Ahmedabad News:એક તરફ ગુજરાત વિધાનસભાએ તાજેતરમાં લગ્ન નોંધણી માટેના નિયમોમાં સુધારો કર્યો છે. તો બીજી તરફ આ ફેરફારો બાદ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રાથમિકતા આપતો એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એકવાર છોકરી કાયદેસર રીતે પુખ્ત થઈ જાય, પછી કોઈ તેને તેના જીવનસાથી પસંદ કરવાથી રોકી શકે નહીં.
આ સમગ્ર મામલો એક કેસ પર આધારિત છે, જાણકારી અનુસાર એક છોકરીએ તેના પિતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પુત્રીના નિર્ણયથી નારાજ થઈને, પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. આ વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે તેની પુત્રીને લાલચ આપીને ત્યાં રાખવામા આવી છે.

પિતાની અરજી સાંભળીને, હાઈકોર્ટે (Gujarat High Court) છોકરીની દલીલો અને તેની વય મર્યાદા પર વિચાર કર્યો. અને ત્યાર બાદ આ બાબતે કડક વલણ અપનાવતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે બંધારણ મુજબ દરેક પુખ્ત નાગરિકને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે. હાઈકોર્ટે પિતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી, કારણ કે તે સ્પષ્ટ હતું કે છોકરીએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન કર્યા છે.
કોર્ટે (Gujarat High Court) વધુમાં જણાવ્યું હતું કે પિતા કે પરિવાર કોઈ પુખ્ત વ્યક્તિને તેમની પસંદગી અંગે દબાણ કરી શકે નહીં. ગુજરાત હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે “જ્યારે કોઈ દીકરી પુખ્ત વયે પહોંચે છે અને તેની સલામતી અને લગ્ન અંગે સ્પષ્ટપણે ચિંતા વ્યક્ત કરે છે, ત્યારે કાયદો તેના પક્ષમાં હોય છે.”

જ્યારે રાજ્ય લગ્ન નોંધણી માટે માતાપિતાના હસ્તાક્ષર જરૂરી બનાવવા જેવી માંગણીઓ અને નિયમો પર ચર્ચા કરી રહ્યું છે, ત્યારે હાઈકોર્ટનો નિર્ણય સ્પષ્ટ કરે છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને બંધારણીય અધિકારો કોઈપણ વહીવટી નિયમોથી આગળ છે. આ નિર્ણય એવા કિસ્સાઓ માટે એક મિસાલ સ્થાપિત કરશે જ્યાં પ્રેમ માટે લગ્ન કરતા યુગલોને કૌટુંબિક વિરોધનો સામનો કરવો પડે છે. કોર્ટે (Gujarat High Court) ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાની નજરમાં પુખ્ત વયના લોકોની સંમતિ સર્વોપરી છે.
