Ahmedabad News/ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : છૂટાછેડા બાદ પતિનું અવસાન, મહિલાને ફરી મળ્યો વિધવાનો દરજ્જો

આ મામલો વર્ષ 1976માં લગ્ન કરનારા એક ખ્રિસ્તી દંપતી સાથે સંબંધિત છે. વર્ષ 2020માં પતિએ આણંદ ફેમિલી કોર્ટમાં પત્નીએ તરછોડી દીધી હોવાના આરોપ સાથે છૂટાછેડા (Divorce)ની અરજી દાખલ કરી હતી

Top Stories Gujarat
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતાં પતિના અવસાનના લગભગ બે વર્ષ પહેલાં આપવામાં આવેલા છૂટાછેડા (Divorce)ના હુકમને રદ કર્યો છે

Ahmedabad News :  ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતાં પતિના અવસાનના લગભગ બે વર્ષ પહેલાં આપવામાં આવેલા છૂટાછેડા (Divorce)ના હુકમને રદ કર્યો છે. આ નિર્ણય સાથે મહિલાને ફરીથી વિધવાનો કાનૂની દરજ્જો મળ્યો છે અને હવે તે પતિની મિલકત પર પોતાના કાયદેસર અધિકાર (Widow Rights)નો દાવો કરી શકશે.

આ મામલો વર્ષ 1976માં લગ્ન કરનારા એક ખ્રિસ્તી દંપતી સાથે સંબંધિત છે. વર્ષ 2020માં પતિએ આણંદ ફેમિલી કોર્ટમાં પત્નીએ તરછોડી દીધી હોવાના આરોપ સાથે છૂટાછેડા (Divorce)ની અરજી દાખલ કરી હતી. પત્નીએ કેસમાં હાજરી આપી ન હોવાથી ફેમિલી કોર્ટે સપ્ટેમ્બર 2022માં એકતરફી રીતે છૂટાછેડાનો હુકમ આપ્યો હતો.

ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં પતિનું અવસાન થયું. બાદમાં ઓગસ્ટ 2025માં મહિલાએ પોતાના છ બાળકો સાથે મળીને ગુજરાત હાઈકોર્ટમાં ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.

મિલકતના અધિકારને ધ્યાનમાં રાખી ચુકાદો

ન્યાયમૂર્તિ આઈ.જે. વોરા અને આર.ટી. વાછાણીની બેન્ચે જણાવ્યું કે છૂટાછેડા બાદ પતિ-પત્નીનો કાનૂની સંબંધ સમાપ્ત થઈ જાય છે, જેની સીધી અસર મિલકતના અધિકાર અને સામાજિક દરજ્જા પર પડે છે. તેથી પતિના અવસાન પછી પણ પત્નીને છૂટાછેડા (Divorce)ના આદેશને પડકારવાનો સંપૂર્ણ અધિકાર છે.

મહિલાના વકીલે દલીલ કરી હતી કે જો છૂટાછેડાનો હુકમ યથાવત રાખવામાં આવશે તો મહિલાનો વિધવા તરીકેનો કાનૂની દરજ્જો અને પતિની મિલકત પરનો અધિકાર બંને સમાપ્ત થઈ જશે. આ દલીલને હાઈકોર્ટે યોગ્ય ગણાવી હતી.

ફેમિલી કોર્ટનો નિર્ણય ખોટો ગણાવ્યો

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે પત્નીએ ઇરાદાપૂર્વક પતિનો ત્યાગ કર્યો હોવાનો ફેમિલી કોર્ટનો નિષ્કર્ષ યોગ્ય નહોતો. મહિલાના વારસાગત અને મિલકતના અધિકારોને સુરક્ષિત રાખવા માટે છૂટાછેડાના આદેશને રદ કરવો જરૂરી હતો.

આ ચુકાદા બાદ મહિલાને ફરીથી વિધવાનો કાનૂની દરજ્જો પ્રાપ્ત થયો છે અને હવે તે પોતાના તેમજ બાળકોના હિતમાં પતિની મિલકત પર કાયદેસર દાવો કરી શકશે. કાનૂની નિષ્ણાતોના મતે આ નિર્ણય ભવિષ્યમાં આવા અનેક કેસો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો : છૂટાછેડા લીધા વગર પતિ કરી રહ્યો હતો બીજી લગ્નની તૈયારી; પહેલી પત્નીએ પોલીસ બોલાવી નિકાહ અટકાવ્યો

આ પણ વાંચો : કિંજલ રબારી-અશોક ચૌધરી વિવાદમાં નવો વળાંક: છૂટાછેડાના દસ્તાવેજો પર સહીનો ઇનકાર, હુમલાના પ્રયાસની ફરિયાદ

આ પણ વાંચો : છૂટાછેડા લીધેલ દીકરી મૃત દીકરી કરતાં ઘણી સારી, સુપ્રીમ કોટૅમાં બોલ્યા તુષાર મહેતા