અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરી દેવામાં આવી છે. પરંતુ ગત વર્ષે સેમેસ્ટર સિસ્ટમમાં જુલાઈ ૨૦૧૭ની પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમ તક આપવા માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંતિમ પૂરક પરીક્ષા એપ્રિલ ૨૦૧૮માં લેવામાં આવી હતી. જેમાં ૨૪ હજારથી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયની પરીક્ષા આપી હતી. તેમાં પણ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવા માટે બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે તેની પરીક્ષા લેવામાં આવશે.
ધોરણ 11-12 સાયન્સમાં સેમેસ્ટર પ્રથાને રાજ્યમાં સારો પ્રતિસાદ ન મળ્યો ન હતો. આ ઉપરાંત મેડિકલ પ્રવેશ માટે ‘નીટ’ (NEET) ની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. જેના કારણે સેમેસ્ટર સિસ્ટમનું મહત્વ રહ્યું નથી. જેના કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ર૦૧૧થી ર૦૧૭ દરમિયાન ધોરણ 11-12 સાયન્સની પરીક્ષામાં નાપાસ થનાર તમામ વિદ્યાર્થીઓને પાસ થવા માટે વધુ એક તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે દરેક શાળાને આવા વિદ્યાર્થીઓની યાદી તાત્કાલિક ધોરણે ગાંધીનગર મોકલવા માટેની તાકીદ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધો.૧૧-૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ ૨૦૧૮થી રદ કરી દેવામાં આવી છે, અને ગત માર્ચ ૨૦૧૭માં અંતિમવારની રેગ્યુલર સેમેસ્ટર-૪ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ગત જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાઈ હતી, પરંતુ જુલાઈની પરીક્ષામાં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને જૂન ૨૦૧૮થી એન્યુઅલ પેટર્ન પ્રમાણે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ લાગુ કરવામાં આવી છે.
જેની પ્રથમવારની ધો.૧૨ સાયન્સની વાર્ષિક બોર્ડ પરીક્ષા માર્ચ ૨૦૧૮માં લેવાઈ ગઈ છે, પરંતુ જુલાઈમાં સેમેસ્ટર સિસ્ટમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમવાર તક આપવા માટે ૧૯ એપ્રિલે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.
પરંતુ પૂરક પરીક્ષા તેમજ અગાઉ જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે ફરી એક વાર તક આપવામાં આવી છે, સાથે જે વિદ્યાર્થી નાપાસ થયા હશે તેમણે ગાંધીનગર સેન્ટર ખાતે પરીક્ષા આપવી પડશે.
