રાજકોટ શહેરમાં દિવાળી ટાણે શહેરીજનોને ડેંગ્યુના ડંખ લાગી રહ્યા છે. મહાપાલિકા તંત્ર રોગચાળાના આંકડા છુપાવવામાં સફળ રહ્યું છે અને મચ્છર મારવામાં નિષ્ફળ રહ્યું છે તે વાત હવે સાબિત થઈ ગઈ છે.
શહેરમાં મચ્છરજન્ય ઉપરાંત ઋતુજન્ય, ખોરાકજન્ય અને પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે જેના પરિણામે ઘરે-ઘરે માંદગીના ખાટલા અને દવાખાનાઆેમાં દર્દીઆેની કતારો જોવા મળી રહી છે. દરમિયાન તાજેતરમાં વોર્ડ નં.14ના કેવડાવાડી અને ગુંદાવાડી વિસ્તારમાં ડેંગ્યુના 12 કેસ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સઘન સફાઈ, દવા છંટકાવ, ફોગિંગ ઝુંબેશ સહિતની કામગીરી કરવા માગણી ઉઠી રહી છે પરંતુ આજદિવસ સુધી આ વિસ્તારમાં કોઈ ફરક્યું નહી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વોર્ડ નં.14ના કેવડાવાડી અને ગુંદાવાડી વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ડેંગ્યુનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યાે છે. આ બન્ને વિસ્તારોમાં ડેંગ્યુ ફેલાવતાં એડીસ મચ્છરનો ઉપદ્રવ ભયંકર હદે વધી ગયો હોય રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
