સુરત,
સુરતમાં કમર્શિયલ એરિયામાં મુકાયેલી 1900 પેડલ ડસ્ટબીન ખરીદીમાં થયેલા આર્થિક કૌભાંડ પર પરદો નાંખવાની કોશિશ કરાઈ રહી છે.
‘મંતવ્ય ન્યૂઝ’એ આ કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ સામાન્ય સભામાં કોંગ્રેસે આ મુદ્દો ઉપાડી તપાસની માંગ કરી હતી. સુરત મહાનગર પાલિકાના મેયર અને કમિશનરે તપાસ કરાવવાની બાંયેધરી આપી હતી પરંતુ બે મહિના બાદ પણ હજી તે તપાસનો રિપોર્ટ અપાતો નથી અને કોર્પોરેટર શૈલેષ રાયકાના આ કૌભાંડની તપાસ કરી જવાબદારોને નશ્યત કરવાના વારંવારના પત્રો પણ અવગણી પ્રત્યુત્તર અપાતો નથી જે આ કૌભાંડમાં ભીનું સંકેલી આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને છાવરવા તરફ ઈશારો કરે છે.
સ્વચ્છતામાં અગ્રીમ હરોળમાં નંબર આવે તે માટે સુરત મહાનગર પાલિકાએ કન્ટેનર ફી સિટી બનાવવાની તજવીજના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં મુકેલી 1900 જેટલી પોસ્ટ બોક્સ જેવી પેડલ ડસ્ટબીનની કિંમતો મંતવ્ય ન્યૂઝે બજારમાંથી કઢાવતા તેમાં 5 હજાર રૂપિયા વધુ ચુકવાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આ અહેવા 7 નવેમ્બર 2018ના રોજ પ્રસિધ્ધ કરાયો હતો. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે વિના કોઈ ટેન્ડર મંગાવ્યા વિના રૂ. 13500ની એક પેડલ ડસ્ટબીન ખરીદી હતી અને તેમાં 800 રૂપિયા ફીટિંગ ચાર્જ ચુકવતા તેની કિંમત રૂ. 14,300માં પડી હતી.
આ ખરીદીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ કડદો કર્યો હોવાના અમારા અહેવાલને પગલે વિપક્ષી સભ્ય એવા કોર્પોરેટરો શૈલેષ રાયકા, અસ્લમ સાઈકલવાળા, પપન તોગડિયા સહિતનાએ આ મામલે સામાન્ય સભામાં બે વાર મુદો ઉઠાવી અધિકારીઓ તેમજ ભાજપ શાસકોને ઘેર્યા હતા. તેમાં મેયર ડો. જગદીશ પટેલ અને મહાપાલિકાના કમિશનર થૈન્નારસને તપાસ કરાવી પગલાં લેવાની હૈયાધરપત આપી હતી.
જોકે, ત્યારબાદ કોર્પોરેટર શૈલેષ રાયકાએ તા. 30-11-2018 અને 14-12-218 અને તા. 8-1-2019ના રોજ કમિશનરને લેટર લખીને વિજિલન્સ તપાસ કરાવી હોય તો તેનો રિપોર્ટ આપવા અને ક્યા આરોગ્ય અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તે વિગતો જાહેર કરવા માંગણી કરી છે પરંતુ હજી સુધી તપાસ ક્યાં પહોંચી તે અંગે પણ તેઓને જાણકારી આપી નથી, જે કૌભાંડ પર પરદો નાંખવાની કોશિશ સમાન છે.
વિજિલન્સ વિભાગના હેડ જયેશ ચૌહાણે અમને કેમેરા સામે ન આવવાની શરતે જણાવ્યું હતું કે કમિશનર દ્વારા અમને તપાસ સોંપાઈ છે અને અમે તમામ ઝોન પાસેથી વિગતો માંગી છે. ચાર ઝોને વિગતો મોકલી છે. બાકીના ત્રણ ઝોનની વિગતો આવ્યા બાદ તપાસ હાથ ધરી રિપોર્ટ કરવામાં આવશે.
વિજિલન્સ અધિકારી ભલે કાર્યવાહી કરવાની વાત કરતા હોય પરંતુ હાલ તો કોર્પોરેટરને તપાસની જાણકારી ન આપી આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાની પૂરેપૂરી કોશિશ થઈ રહી હોવાનું ફલિત થઈ રહ્યું છે. હવે જોવું એ રહે કે અધિકારીઓ સામે પગલાં લેવાય છે કે કેમ?
