અમદાવાદ: દાહોદ જિલ્લાના કાળી મહુડી ગામે ચોરી કરવા આવેલા બે શખ્સોને લોકોએ ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. જેના કારણે એક શખ્સનું મોત થયું છે. મોડી રાત્રે ચોરી કરવાના ઇરાદે આવેલા બે યુવકને લોકોએ પકડી પાડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ આ બંને યુવકોને ઢોર માર માર્યો હતો. જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકો પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને યુવકો બે દિવસ અગાઉ જ જેલમાંથી બહાર આવ્યા હતા. આ આરોપીઓ લૂંટ અને ચોરીના ગુનાના આરોપસર જેલની સજા કાપી રહ્યા હતા.
આ ઘટના અંગે લીમડી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના કાળી મહુડી ગામે ગઈકાલે શનિવારે રાત્રીના બે શખ્સો ભારૂ મથુર પલાશ (રહે.ખજુરિયા તા. ગરબાડા) અને અજમલ મેતરાલ વહોનિયા (રહે. ગામ ઉંડાર તા. તાનપુર) આ બંને શખ્સો ઝાલોદ તાલુકાના ગામ કાળી મહુડી ગામમાં ચોરી કરવાના ઇરાદે ગયા હતા. જોકે ગામ લોકોની સતર્કતાથી બંને લોકો ઝડપાયા હતા.
આ દરમિયાનમાં ગામના અન્ય લોકોને પણ આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાં ઉશ્કેરાયેલા ગામજનોએ બંને શખ્સોને પકડીને ઢોર માર માર્યો હતો. જોકે, આ બંને શખ્સો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને સારવાર અર્થે દાહોદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટનાની જાણ થતાં લીમડી પોલીસનો કાફલો કાળી મહુડી ગામે દોડી ગયો હતો જેમાં બે શખ્સમાંથી અજમલ મેતરાલ વહોનિયા (ઉ.વ. 28)નું ઘટના સ્થળે મોત થયું હતું. પોલીસે મૃતક અજમલના મૃતદેહને લીમડી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જયારે ભારુ પલાશને સારવાર માટે લીમડી હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
આ ઘટના અંગે લીમડી પોલીસે આશરે 100 જેટલા અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને યુવકો લૂંટ ચોરી ધાડ જેવા ગુનાઓની સજા કાપી રહ્યા હતા. તેઓ બે-ચાર દિવસ પહેલા જ જામીન ઉપર છૂટ્યા હતા.
