વડોદરા,
વડોદરા શહેરનાં ઇલોરપાર્ક વિસ્તારમાં આવેલા અમુલ એપાર્ટમેન્ટ જર્જરિત થઇ જતાં પાલિકાએ તેને તકેદારીના રૂપે હટાવવા માટે એક વર્ષ પહેલા નોટિસ આપી હતી. નોટિસ આપ્યા બાદ પણ સમય પૂરો થઇ જવા છતાંય દુકાનો ખાલી કરવામાં આવી ન હતી ત્યારે સોમવારે પાલિકાની દબાણ ટીમ દબાણો હટાવવા પહોંચી હતી.

છેલ્લા એક વર્ષથી અમુલ એપાર્ટમેન્ટના દુકાનદારોએ દુકાનો ખાલી કરી ન હતી અને ત્યારબાદ તેણે હટાવવા માટે પહોચેલી દબાણશાખાની ટીમ ચાર કલાક બેસી રહી હતી ત્યારબાદ તેઓએ છેવટે બળપ્રયોગ કારવાનું શરૂ કરી દુકાનોમાં બેઠેલા વેપારીઓને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ગોરવા પોલીસ મથકનાં PSI કે.એન.લાઠીયા સાથે દુકાનદારોએ હાથાપાઈ શરૂ કકરી હતી અને તેઓ પર હુમલો કર્યો હતો. એક સાથે ૧૦ થી ૧૫ સ્થાનિકોએ PSI લાઠીયાને ઘેરી લઇને માર મારવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે PSI એ સ્વબચાવમાં રિવોલ્વર કાઢીને ટોળાં પર તાકતા જ ટોળામાં નાસભાગ મચી હતી. ત્યારબાદ વધુ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર બનાવમાં પોલીસે કડકાઇથી મામલો સંભાળી લેતા દબાણ અધિકારીઓએ દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી હતી.
