Gujarat Weather Forecast May 2026: ગુજરાતમાં અત્યારે ઉનાળો આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે હવામાન વિભાગે તાપમાનને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થવાની સંકેત મળ્યા છે.
પવનની દિશા બદલાતા ગરમી ઘટશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે રાજ્યમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જોકે, 48 કલાક બાદ પવનની દિશા બદલાવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ફેરફારથી ગરમીમાં આંશિક રાહત મળવાની આશા છે.

અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન
રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો છે. બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે.
May મહિના માટે ભયાનક આગાહી
હવામાન વિભાગે મે મહિના માટે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે ચિંતા જગાવનારું છે, કારણ કે આ મહિના દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની સંભાવના છે, જે દર્શાવે છે કે મે મહિનો ઘણો આકરો સાબિત થશે. આ સાથે જ લઘુતમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન પણ ઊંચું રહેવાના કારણે રાત્રે પણ બફારાનો અનુભવ થશે, જોકે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા નીચું રહી શકે છે જે ત્યાંના લોકોને થોડી રાહત આપી શકે તેમ છે.
તબીબોની સલાહ
ગરમીના વધતા પારાને જોતા તબીબોએ લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી (પાણી, છાશ, લીંબુ શરબત) લેવાની સલાહ આપી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અનેક જિલ્લાઓમાં 42-44 ડિગ્રી તાપમાનની આગાહી
આ પણ વાંચો:ગુજરાતના હવામાનમાં મોટો પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી વટાવશે, આગામી 5 દિવસ આકરી લૂ વાવાની શક્યતા
