રાજ્ય સરકાર ગુજરાતી ભાષાને પ્રોત્સાહિત કરવા જાહેર સ્થળોના નામ ગુજરાતીમાં લખાય તેવો પરિપત્ર કરે છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર જ ગુજરાતી ભાષા પ્રત્યે ઉદાસીન લાગે છે. આમ ગુજરાતી ભાષાના મામલે સરકારની નીતિ અને નિયતમાં વિરોધાભાષ જણાય છે. રાજ્ય સરકારે ગુજરાતી ભાષાને પ્રોત્સાહિત કરવાનો પરિપત્ર કર્યો છે. પણ ગુજરાતમાં જ ગુજરાતી ભાષાના ખસ્તા હાલ છે. ગુજરાતી વેપારી પ્રજા છે, અને માતૃભાષા માટે લગાવ ઓછો છે તેવી ગુજરાતીઓ માટેની સામાન્ય છાપ છે. જે ઘણે અંશે સાચી થતી હોય તેમ જણાય છે…
- ગુજરાતમાં ગુજરાતી ભાષા પ્રત્યે છે ઉદાસીનતા
- ધો.10 બોર્ડ પરીક્ષામાં છેલ્લાં 5 વર્ષમાં 6.50 લાખ વિદ્યાર્થીઓ નાપાસ
- ધો.12 બોર્ડ પરીક્ષામાં છેલ્લાં 5 વર્ષમાં 1.29 લાખ વિદ્યાર્થીઓ નાપાસ
- રાજ્યમાં 1,862 ભાષા શિક્ષકોની ખાલી જગ્યાઓ
- રાજ્યમાં 472 સરકારી પ્રાથમિક શાળાઓને મર્જ કરવામાં આવી
- અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 50 ખાનગી શાળાઓ બંધ કરાઇ
સરકારની સાથે સમાજની ઉદાસીનતાના કારણે ગુજરાતી ભાષામાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડમાં છેલ્લાં પાંચ વર્ષમાં 7 લાખ 80 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 14 હજાર શિક્ષકોની ઘટ છે, જેમાં 1,862 જગ્યાઓ ભાષા શિક્ષકોની છે.
ગુજરાતી ભાષાની અવદશા માટે વાલીઓનો અંગ્રેજી માધ્યમ પ્રત્યેનો લગાવ પણ કારણભૂત છે.અમદાવાદ શહેરમાં જ છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતી માધ્યમની 50 ખાનગી શાળાઓ બંધ થઇ છે.જ્યારે અન્ય 30 ગુજરાતી માધ્યની શાળા બંધ કરવાની અરજી થઇ છે. ગુજરાતી માધ્યમની શાળાઓ જ જો બંધ થાય તો ગુજરાતી ભાષા કેવી રીતે વિકાસ પામે ?
આ સાથે રાજ્યમાં પ્રતિ વિદ્યાર્થીએ શિક્ષકનો રેશિયો પણ ઓછો છે. રાજ્યમાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે વર્ગ અને શાળાને મર્જ કરાઇ. જેના કારણે રાજ્યમાં કુલ 472 સરકારી શાળાઓને નજીકની શાળા સાથે મર્જ કરાઇ છે. બોર્ડ પરિક્ષાની વાત કરીએ તો ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં ગુજરાતી વિષયમાં નાપાસ થયાં છે. છેલ્લાં પાંચ વર્ષમાં ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં સાડા છ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થયાં છે. જ્યારે ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં છેલ્લાં પાંચ વર્ષમાં 1.29 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થયાં છે. સરકારને જો ગુજરાતી ભાષાની ચિંતા હોય તો ગુજરાતી માધ્યમની શાળાઓને પ્રોત્સાહન આપવું જોઇએ. ભાષા શિક્ષકોની નિયૂક્તિ કરવી જોઇએ.. રાજ્ય સરકાર માટે જાહેર સ્થળોના બોર્ડની ભાષા કરતાં શિક્ષણ બોર્ડની પરીક્ષાના પરિણામોની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે.
