Not Set/ હાર્દિક પંડયાના ખભાની ઈજા સામાન્ય, તે આગામી મેચ રમી શકે તેવી શક્યતા

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે,  હાર્દિકનો સ્કેન રિપોર્ટ આવી ગયો છે અને ઈજા બહુ ગંભીર નથી. આ સિવાય બે મેચમાં છ દિવસનું અંતર છે.

Sports

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પાકિસ્તાન સામેની T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં થયેલી ઈજા ગંભીર નથી. તેથી  તે 31મી ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ રમી શકે તેવી શક્યતા છે. ગત મહિને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં બોલિંગ ન કરનાર પંડ્યા હાલમાં બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. તેણે રવિવારે પાકિસ્તાન સામે આઠ બોલમાં 11 રન બનાવ્યા હતા. તે ઝડપી બોલરોની સામે અસ્વસ્થ દેખાતો હતો અને તે દરમિયાન એક શોર્ટ પિચ બોલ તેના ખભા પર વાગ્યો હતો.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે,  હાર્દિકનો સ્કેન રિપોર્ટ આવી ગયો છે અને ઈજા બહુ ગંભીર નથી. આ સિવાય બે મેચમાં છ દિવસનું અંતર છે. જેથી તેની પાસે ઈજામાંથી બહાર આવવા માટે પૂરતો સમય હશે.

તેમણે આગળ કહ્યું હતું કે, તબીબી ટીમ પ્રેક્ટિસ સેશન દરમિયાન તેની સ્થિતિ પર નજર રાખશે. તે નોકઆઉટ તબક્કામાં બોલિંગ કરવા માંગે છે પરંતુ ભારતે આ માટે ન્યુઝીલેન્ડ સામેની મેચ જીતવી પડશે.

પાકિસ્તાન સામેની મેચમાં ટોસ બાદ પંડ્યાએ કહ્યું હતું કે તે કમરના દુખાવાથી પરેશાન હતો, પરંતુ સ્થિતિ પહેલાથી જ સારી છે. તેણે કહ્યું હતું કે તે હવે બોલિંગ નહીં કરે, પરંતુ નોકઆઉટ મેચ નજીક આવ્યા બાદ બોલિંગ કરવા માંગે છે.

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચ પહેલા હાર્દિકના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, 6 નંબરની ટીમ બેટ્સમેનને રાતોરાત તૈયાર કરી શકતી નથી. તેને બેટ્સમેન તરીકે ટીમમાં રાખવામાં આવ્યો હતો. તે એવો બેટ્સમેન છે જે વિરોધી પાસેથી મેચ છીનવી શકે છે. તે અમારો મેચ વિનર છે. ટી-20માં આવા બેટ્સમેનની જરૂર છે.