Not Set/ હિજાબ પહેરેલી યુવતીઓને ફરીથી કોલેજમાં ન મળ્યો પ્રવેશ.. જાણો શું છે સમગ્ર વિવાદ

કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંડાપુરમાં શુક્રવારે કેટલીક હિજાબ પહેરેલી યુવતીઓએ સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અધિકારીઓએ ફરી એકવાર વિદ્યાર્થીનીઓને કોલેજ પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા

Top Stories India

કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંડાપુરમાં શુક્રવારે કેટલીક હિજાબ પહેરેલી યુવતીઓએ સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અધિકારીઓએ ફરી એકવાર વિદ્યાર્થીનીઓને કોલેજ પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા.

અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદ્યાર્થિનીઓને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ ડ્રેસ કોડ પરની સ્થિતિ અનુસાર તેમને કોલેજ પરિસરમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, તેમ છતાં  વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કોલેજ પહોંચી હતી.  વધુમાં અધિકારીઓના જણાવ્યું  વિદ્યાર્થીનીઓના માતા-પિતાએ કોલેજ પરિસરની બહાર દેખાવો કર્યા હતા.

તેમણે એમ પણ કહ્યું કે જ્યારે છોકરીઓ કોલેજ પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે ભગવી શાલ પહેરેલી કેટલીક વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે કેમ્પસની આસપાસ ફરવા લાગી. જો કે વિદ્યાર્થીઓને તાત્કાલિક તેમની શાલ ઉતારીને વર્ગમાં જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તણાવને જોતા, કોલેજના ગેટ પર તૈનાત કુંદાપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ સરકારના આદેશને ટાંકીને વિદ્યાર્થીનીઓ અને તેમના માતા-પિતાને પાછા જવા કહ્યું. જોકે, યુવતીઓ ગેટ પર જ ઊભી રહી હતી.

દરમિયાન, PU કોલેજ, ઉડુપીની કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સે એડિશનલ ડેપ્યુટી કમિશનરનો સંપર્ક કર્યો છે કે તેઓ હિજાબ પહેરવાના મુદ્દાને વહેલામાં વહેલી તકે ઉકેલે, જેથી કૉલેજમાં શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરી શકાય. ઉલ્લેખનીય છે કે  ક્લાસમાં હિજાબ પહેરવાનો વિવાદ આ કોલેજથી શરૂ થયો હતો.

વિદ્યાર્થીનીઓએ તેમની અપીલમાં જણાવ્યું હતું કે વાર્ષિક પરીક્ષાઓ નજીક છે, આવી સ્થિતિમાં પોલીસ અને મીડિયાની હાજરીને કારણે કોલેજમાં શૈક્ષણિક પ્રક્રિયા ખોરવાય છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને કોલેજમાં છ વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી. ઉડુપીની PU કોલેજમાં હિજાબ અંગેનો વિવાદ જાન્યુઆરીની શરૂઆતમાં શરૂ થયો હતો, જ્યારે છ વિદ્યાર્થીનીઓએ ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરીને હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશ કર્યો હતો.

કોલેજ મેનેજમેન્ટે ગર્લ સ્ટુડન્ટ્સને કેમ્પસમાં હિજાબ પહેરવાની મંજૂરી આપી હતી, પરંતુ ક્લાસરૂમની અંદર નહીં. સૂચનાઓનું ઉલ્લંઘન કરનાર વિદ્યાર્થીનીઓને વર્ગની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. વિદ્યાર્થીનીઓએ લગભગ એક મહિના સુધી વર્ગખંડની બહાર બેસીને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. તેણે ઓનલાઈન અભ્યાસ કરવાના મેનેજમેન્ટના સૂચનને પણ ફગાવી દીધું.