રાજ્યમાં આજે હિટ એન્ડ રનની બે જુદી જુદી ઘટના બની હતી. જેમાં વાંકાનેરમાં અજણ્યા ટ્રક ચાલકે ત્રણ જુદા જુદા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જયારે બીજી ઘટનામાં એક મહિલાનું કારની ટક્કરે મોત નીપજ્યું હતું.
ગત અઠવાડિયે વાંકાનેર હાઇવે ઉપર એક સાથે ચાર ચાર વાહનોને હડફેટે લઈ ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થયાની ઘટના હજુ તાજી છે ત્યાં આજે વાંકાનેર જકાતનાકા આઠ રસ્તે ફરી આવો જ અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક ચાલકે બે ફોર વ્હીલને ઝપટે લેવાની સાથે સાયકલ સવાર ગેસના ડિલેવરીમેનને હડફેટે લેતા વૃદ્ધને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા છે. દર વખતની જેમ આજે પણ અકસ્માત સર્જી ટ્રક રેઢો મૂકી ટ્રકચાલક ફરાર થઈ ગયો છે.
આજે બપોરના સુમારે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જકાતનાકા નજીક આઠ રસ્તે બેકાબુ બનેલા ટ્રકે એક ઇકો કાર, એક ફોર વ્હીલ ઉપરાંત ગેસના બાટલાના ડિલેવરીમેન તેમજ એક રાહદારીને હડફેટે લઈ ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં ગેસના બાટલાના ડિલેવરીમેન ઉમરભાઈ હસનભાઈ કુરેશી ઉ.64ને બન્ને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા છે. ઉપરાંત અન્ય એક યુવાનને પણ ઇજા પહોંચ્યાંનું જાણવા મળ્યું છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ જીજે3-બીટી-8499 નંબરનો ટ્રક ચાલક અકસ્માત સર્જ્યા બાદ ટ્રક લઈને નાસી છૂટ્યો હતો અને અકસ્માત સ્થળથી દૂર ટ્રક રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગેસના ડિલેવરીમેનની સાયકલનો બુકડો બોલી ગયો હોવાનું જાણવા મળે છે.
જયારે બીજી ઘટના બોરસદમાં બની હતી. બોરસદની ઉમિયા કાઠિયાવાડી હોટલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે તેમની સાથેની અન્ય મહિલાને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તે મહિલાને બોરસદની ખાનગી હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાજેશ ગોહેલ નામની વ્યક્તિએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
