કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આર્ટિકલ 370 હટાવ્યા બાદ પહેલીવાર શનિવારના રોજ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. અમિત શાહ ત્રણ દિવસીય કાર્યક્રમ માટે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. ત્રણ દિવસીય યાત્રા દરમિયાન તેઓ પહેલા દિવસે શ્રીનગરમાં સુરક્ષા સંબંધી પરિયોજનાઓની સમીક્ષા કરશે. આ યાત્રા એવા સમયે થઇ રહી છે કે જયારે આંતકવાદીઓ સતત હિન્દુઓને ટાર્ગેટ બનાવી તેમની હત્યા કરી રહ્યા છે.
5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિભાજીત કરવામાં આવું હતું. આ પહેલા અમિત શાહે 2019 માં ગૃહમંત્રી રૂપે કાર્યભાર સંભાળ્યા બાદ જમ્મુ કાશ્મીરની મુલાકાત કરી હતી. ત્યારે તેમણે અમરનાથ યાત્રાની સમીક્ષા કરી હતી અને કેન્દ્રીય યોજનાના વિકાસ અને તેની પ્રગતિ અંગે નિરીક્ષણ કર્યું હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શાહ શનિવારે શ્રીનગરમાં સુરક્ષા અને વિકાસ સંબંધી પરિયોજનાઓની સમીક્ષા કરશે અને રવિવારે જમ્મુમાં એક જનસભાને સંબોધિત કરશે. ગૃહમંત્રીના આગમન પહેલા શ્રીનગરમાં ઘણા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેમાં ટુ વ્હીલર ધરાવતા વાહનોની કડક પૂછપરછ અને તપાસ કરવામાં આવશે. આ સિવાય સુરક્ષા ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને 50 કેન્દ્રીય રીઝર્વ પોલીસ બળની ટીમને તૈનાત કરવામાં આવી છે.
તાજેતરમાં, જમ્મુ અને કાશ્મીરમાં બિન-સ્થાનિકોની હત્યાઓ પછી લગભગ 700 લોકોને કેન્દ્રશાસિત પ્રદેશમાં અટકાયત કરવામાં આવી છે, કેટલાકને કડક જાહેર સુરક્ષા કાયદા (પીએસએ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના કુલ 26 કેદીઓને પબ્લિક સેફ્ટી એક્ટ 1978 હેઠળ આગ્રા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહ શનિવારે સવારે 11 વાગ્યે શ્રીનગર પહોંચશે, ત્યારબાદ તેઓ રાજભવનમાં સુરક્ષા પર એકીકૃત કમાન્ડની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ચાર કોર્પ કમાન્ડરો, જમ્મુ -કાશ્મીર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ગુપ્તચર બ્યુરો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેશે.
અમિત શાહ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીર યુથ ક્લબના લોકો સાથે વાતચીત કરશે. આ સિવાય સાંજે શ્રીનગર-શારજાહ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે. આ શ્રીનગરથી શારજાહ વચ્ચે સીધી ફ્લાઇટ હશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહ તાજેતરના આતંકી હુમલામાં માર્યા ગયેલા સુરક્ષા દળોના શહીદો અને નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા પણ જશે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તેઓ એક શીખ શિક્ષક અને મુસ્લિમ નાગરિક માખનલાલ બિંદુના પરિવારોની મુલાકાત લે તેવી શક્યતા છે, જેઓ તાજેતરમાં આતંકવાદીઓ દ્વારા ભોગ બન્યા હતા.”
શાહ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લેથપોરાની પણ મુલાકાત લેશે, જ્યાં ફેબ્રુઆરી 2019 માં આતંકી હુમલામાં 40 CRPF જવાન શહીદ થયા હતા. ત્યાં ગૃહમંત્રી શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.
સૂત્રોએ જણાવ્યું કે, અમિત શાહ કેન્દ્રશાસિત પ્રદેશની તેમની મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીર પ્રશાસન સાથે પણ બેઠક કરશે અને વિકાસ પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરશે. રવિવારના રોજ, શાહ જમ્મુ જશે, જ્યાં તેઓ IIT કોન્વોકેશનમાં હાજરી આપશે, ત્યારબાદ એક રેલીને સંબોધન કરશે. શ્રીનગર જતા પહેલા તે ત્યાંના કાશ્મીરી પંડિતોના સમૂહને પણ મળે તેવી શક્યતા છે.
સોમવારે અમિત શાહ SKICC ખાતે સિવિલ સોસાયટીના પ્રતિનિધિમંડળને પણ મળશે. તે પછી તે નવી દિલ્હી પરત ફરશે.
શાહની કાશ્મીર ખીણની પ્રથમ મુલાકાત પહેલા સમગ્ર કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે શુક્રવારે વિવિધ સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા 16 કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારે કરી હતી અને તેમાં પોલીસ, અર્ધલશ્કરી દળો અને આર્મીના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે પણ બેઠકમાં હાજરી આપી હતી.
