Ambaji News : શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું અંબાજીમાં હોળી પર્વ નિમિત્તે હોળી દહન કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી ખાતે વર્ષોથી પરંપરા મુજબ હોળી પૂજન થાય અન ત્યારબાદ હોળી પ્રગટવવામાં આવે છે.
અંબાજી ખાતે હોળી પર્વની ઉજવણીનું અનેરું મહત્વ છે. અંબાજી મંદિર પાછળ આવેલા ગુજરાતી શાળાના મેદાનમાં હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષોની પરંપરા મુજબ ઠાકોર સમાજના લોકોએ હોળીનું પૂજન કરીને હોળી પ્રગટાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હોળી પર્વની શરૂઆત મારવાડી સમાજની મહિલાઓ દ્વારા ઠંડી હોળીનું પૂજન કરીને કરવામાં આવ્યુ હતું. મારવાડી સમાજની મહિલાઓ હોળીકા દહન પહેલાં ઠંડી હોળીનું પૂજન કરે છે. મહિલાઓ દ્વારા હોળીની પૂજા કરવા પાછળ એવી માન્યતા છે કે આમ કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મંદિરના મહારાજ દ્વારા પૂજન કરીને હોળી પ્રગટાવવામાં આવી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ હોળી સ્થાનક ઉપર આવીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પુજન કરે છે, ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટ્યા બાદ ઈશાન દિશામાં પડતાં આ વખતે વરસાદ ખૂબ સારો રહેશે અને ખેડૂતોની ખેતી પણ સારી થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
હોળી પર્વ નિમિત્તે ઠાકોર સમાજના બાળકોએ ઢોલ નગારા સાથે નાચગાન કર્યું હતું. હોળી દહનના આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના સ્ટાફ અને પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: હોળીની શુભેચ્છાઓ અને આમંત્રણના નામે સાયબર ઠગાઈનો ખતરનાક ખેલ, નાગરિકોને ચેતતા રહેવું પડશે
આ પણ વાંચો: હોળી પર 50 હજારમાં વેચાઈ રહી છે 24 કેરેટ સોનાની મીઠાઈ, શું ખરેખર સોનું ખાઈ શકાય ?
આ પણ વાંચો: વિધાનસભા હોળી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા, વિક્રમ ઠાકોરે નારાજગી કરી વ્યક્ત, ઠાકોર સમાજમાં રોષ