ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં જીત મેળવી ભારતીય ટીમ ઘણી ખુશ છે. ખુશીનું આ કારણ માત્ર જીત જ નહી પરંતુ ઘણા એવા રેકોર્ડ છે કે જે ઓવલનાં મેદાનમાં રમાયેલી મેચ બાદ જોવા મળ્યા હતા. રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની 50મી વનડે મેચમાં જીત થઇ હતી.
વિશ્વકપની 14મી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવી ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિશ્વકપમાં રવિવારનો દિવસ ભારતીય ફેન્સ અને ટીમ ઈંન્ડિયા માટે ખાસ રહ્યો હતો. પોતાની બીજી મેચમાં જ્યાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું તેની સાથે મેચમાં રેકોર્ડ્સની વણઝાર પણ લાગી ગઈ. ભારત તરફથી શિખર ધવન, રોહિત અને વિરાટે ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા. આવો આ બધા રેકોર્ડ્સ પર એક નજર કરીએ.
શિખર-રોહિત પાર્ટનરશીપ

રવિવારની મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને 127 રનની પાર્ટનરશીપ કરી હતી. આ ઓસ્ટ્રેલિયા સામે વિશ્વકપમાં ઓપનિંગ જોડી દ્વારા બનાવવામાં આવેલી પહેલી સદીની પાર્ટનરશિપ છે.
શિખર ધવનની સદી

પહેલા બેટિંગ કરતા ભારત તરફથી ઓપનર શિખર ધવને વન ડેમાં 17મી અને ઈંગ્લેન્ડમાં પોતાની ચોથી સદી ફટકારી હતી. આ સાથે જ તે સચિન તેંડુલકરને પાછળ છોડીને સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. શિખર ધવનની સદી બાદ ટીમ ઈન્ડિયા વિશ્વકપનાં ઈતિહાસમાં સૌથી વધારે 27 વખત સદી કરનારી ટીમ બની ગઈ છે. ટીમે ઓસ્ટ્રેલિયાની 26 સદીનાં રેકોર્ડને તોડ્યો છે. ઉપરાંત વનડેમાં સૌથી વધારે સદી મારવાના મામલે શિખર ધવને ઓસ્ટ્રેલિયાનાં એડમ ગિલક્રિસ્ટ અને ન્યૂઝિલેન્ડનાં નાથન એસ્લે તથા માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યા. સાથે શિખર ધવન ઈંગ્લેન્ડમાં સૌથી ઝડપી 1000 રન બનાવાનાર ખેલાડી બની ગયો છે.
વિરાટ કોહલીની 50મી અડધી સદી

વિરાટ કોહલીએ પોતાની 50મી વનડે અડધી સદી પૂર્ણ કરી. વિરાટે આ કારનામું પોતાની 229 મેચમાં કર્યું. મેચમાં વિરાટે 77 બોલમાં 82 રન કર્યા હતા.
રોહિત શર્માનાં ઓસ્ટ્રેલિયા સામે 2000 રન પૂર્ણ

રવિવારે રમાયેલી મેચમાં રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની વન ડેમાં 2000 રન પૂરા કર્યા હતા. હવે તે બીજો ભારતીય બની ગયો છે. આ પહેલા સચિન આ કારનામું કરી ચૂક્યો છે. જો કે ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી 2000 રન બનાવવાના મામલે રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. રોહિતે આ ઉપલબ્ધિ 37 ઈનિંગ્સમાં હાંસિલ કરી છે.
ચહલનાં હથ્થે સતત ચોથી વખત ગ્લેન મેક્સવેલ

રવિવારે રમાયેલી મેચમાં ગ્લેન મેક્સવેલને ફરી એકવાર યજુર્વેન્દ્ર ચહલે આઉટ કર્યો હતો. ચહલે રેકોર્ડ બનાવતા ચોથી વખત મેક્સવેલને પોતાનો શિકાર બનાવ્યો હતો.
સ્ટાર્કે આપ્યા સૌથી વધુ રન

મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 74 રન આપ્યા હતા, જે સાથે તે વિશ્વકપનાં ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે રન આપનાર બોલર બની ગયો છે.
સ્ટીવ સ્મિથનો વિશ્વકપમાં સાત વખત 50+ સ્કોર

સ્ટીમ સ્મિથે ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં 69 રન બનાવ્યા હતી. વિશ્વકપની વાત કરીએ તો છેલ્લી આઠ ઈનિંગ્સમાં સાતમી વખત છે જ્યારે સ્મિથે 50+ સ્કોર બનાવ્યો છે.
