ઝારખંડની રાજનીતિ માટે આજનો દિવસ ખાસ છે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજકીય ભાવિ અંગે નિર્ણય લેવામાં આવશે. સીએમ હેમંત સોરેનની ખુરશી બચશે કે જશે તે અંગે રાજ્યપાલ રમેશ બૈસ નિર્ણય લેશે. વાસ્તવમાં ચૂંટણી પંચે ખનીજ કૌભાંડ કેસમાં સોરેનની સદસ્યતા રદ કરવાની ભલામણ કરી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે હેમંત સરકાર માટે ખતરાની ઘંટડી વગાડી છે. નોંધપાત્ર વાત એ છે કે, હેમંત સોરેનને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 9Aનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેથી તેમની સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હેમંત સોરેનની સીએમની ખુરશી હવે જોખમમાં છે.
જો સોરેનની ખુરશી જશે તો શું પત્ની કલ્પના નવા સીએમ બનશે?
ઝારખંડના રાજકારણમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે જો હેમંત સોરેનને આજે સીએમ પદ છોડવું પડ્યું તો તેમની જગ્યાએ કોણ લેશે? એવું કહેવામાં આવી રહ્યું છે કે હેમંતની પત્ની કલ્પના સોરેન સીએમની ખુરશી પર બિરાજમાન થઈ શકે છે. કલ્પના સોરેન ઓડિશાના મયુરભંજના એક વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. કલ્પના સોરેનનો જન્મ 1976માં થયો હતો અને તેના બે ભાઈ-બહેન છે. તેણે પોતાનું ગ્રેજ્યુએશન રાંચીથી કર્યું હતું. 2006માં કલ્પનાના લગ્ન હેમંત સોરેન સાથે થયા. તેમને બે બાળકો છે. કલ્પના સોરેન પોતે એક બિઝનેસવુમન છે અને એક ખાનગી શાળા પણ ચલાવે છે.
જો કે કલ્પના સોરેનનું નામ સીએમ પદ માટે સામે આવી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે રાજકીય અનુભવ વિના તેઓ ઝારખંડ રાજ્યની રાજનીતિ કેવી રીતે સંભાળશે? જો કે તેમાં કોઈ શંકા નથી કે તેના સાસરિયાંના તમામ લોકો રાજકીય ક્ષેત્રે છે, તેથી પતિ હેમંત સોરેનનો રાજકીય અનુભવ તેના માટે કામમાં આવશે.
હેમંત સોરેને પર શું છે આરોપ
બીજેપી પ્રતિનિધિમંડળે ફેબ્રુઆરી 2022માં આરોપ લગાવ્યો હતો કે સોરેને રાંચીના અનગાડામાં તેમના નામે ખાણકામ લીઝ લીધું હતું, તેથી તેમની વિધાનસભાની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલો સીએમ હેમંત સોરેન સાથે સંબંધિત માઈનિંગ લીઝ અને શેલ કંપનીઓમાં તેમના અને તેમના નજીકના લોકોના હિસ્સા સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે સીએમ હેમંતે પોતાના પદનો દુરુપયોગ કરીને સ્ટોન ક્વોરી માઈન્સ પોતાના નામે કરાવી. સોરેન પરિવાર પર શેલ કંપનીમાં રોકાણ કરીને જંગી સંપત્તિ પ્રાપ્ત કરવાનો પણ આરોપ છે. આ મામલો સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચમાં ગયો અને હવે ચૂંટણી પંચનો નિર્ણય રાજપાલ ભવન સુધી પહોંચ્યો છે. આ વચ્ચે JMMનો સવાલ એ છે કે સીલબંધ પરબીડિયાનો નિર્ણય કેવી રીતે બહાર આવ્યો.
