આતંકવાદીઓ સમક્ષ ઘૂંટણિયે પડવા મજબૂર બનેલી પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે હવે કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)ના વધુ 54 સભ્યોને આતંકવાદી યાદીમાંથી હટાવી દીધા છે. આ પહેલા સંગઠનના ચીફ સાદ રિઝવીનું નામ આતંકવાદી યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. રિઝવી ટૂંક સમયમાં કોટ લખપત જેલમાંથી મુક્ત થવા જઈ રહ્યો છે.
TLPના હિંસક આંદોલનથી ગભરાઈને ઈમરાન ખાન સરકારે તેની સાથે સમાધાન કર્યું હતું. આ પછી પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે TLP ચીફ સાદ રિઝવીનું નામ આતંકીઓની યાદીમાંથી હટાવી દીધું છે. હવે પંજાબના ગૃહ વિભાગે આતંકવાદ વિરોધી અધિનિયમ 1997ની ચોથી સૂચિમાંથી સંગઠનના 54 સભ્યોના નામ પણ હટાવી દીધા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આમાંના 28 આતંકવાદીઓ રાવલપિંડી જિલ્લાના, 14 ચકવાલના અને 11 એટોકના છે. બુધવારે TLP ચીફ સાદ રિઝવીનું નામ આતંકવાદીઓની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. રિઝવીની એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ટૂંક સમયમાં કોટ લખપત જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
ભૂતકાળમાં TLP સમર્થકોએ રિઝવીની મુક્તિ અને અન્ય માંગણીઓ માટે લાહોર ઈસ્લામાબાદ હાઈવે પર કેમ્પ કરીને હિંસક વિરોધ કર્યો હતો. હિંસક પ્રદર્શનો વધવાથી ડરીને ઈમરાન સરકારે સેંકડો લોકોના મોત માટે જવાબદાર પ્રતિબંધિત સંગઠન સાથે ગુપ્ત સમજૂતી કરી હતી. આ કરાર હેઠળ TLP સભ્યોના નામ આતંકવાદી યાદીમાંથી હટાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ TLP સભ્યોને મુક્ત કરવામાં આવ્યા છે.
