મોન્સીન દલ -મંતવ્ય ન્યુઝ
હાલોલ નગરને ભૂગર્ભ ગટર યોજનાની સુવિધાઓ માટે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ અંદાઝે ૯૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટના આ નાણાં એકમાત્ર બેદરકાર એજન્સીના આયોજન વગરના કામોના પગલે હાલોલ નગરના નગરજનો માટે અસુવિધાઓમાં ફેરવાઈ ગયા હોવાના આ ચારેકોરના વ્યાપક અસંતોષ સામે આ યોજનાની કામગીરીઓની જવાબદારી સંભાળનાર કન્સલ્ટન્ટ અને પાણી પુરવઠા વિભાગના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. આ જોતા એકમાત્ર ઈજારદાર એજન્સી અને પાણી પુરવઠા વિભાગના સત્તાધીશોના બેજવાબદાર વહીવટના પગલે હાલોલ શહેરની આ ભૂગર્ભ ગટર યોજના શરૂ થાય આ પૂર્વે સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટના નાણાં ગટર યોજનાના આ ખાડાઓ દબાઈ જવાની દહેશતો સમગ્ર હાલોલ નગરની સોસાયટી વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર ખુલ્લેઆમ આક્રોશ સાથે વ્યક્ત થઈ રહી છે.
હાલોલ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની આ કામગીરીઓને લઈને ગટર લાઈનમાં પાઈપો નાખવા અને ચેમ્બરો બનાવવા માટે જે.સી.બી. મશીનોથી જે ઉંડા ખાડાઓ ખોદવામાં આવ્યા હતા આ કામગીરીઓ પૂર્ણ કર્યા બાદ પુનઃ રસ્તાઓ બનાવવાના બદલે બારોબાર કરી દેવામાં આવેલા આ માટી પુરાણના પગલે ચોમાસાના એક જ વરસાદમાં હાલોલ નગરના જાહેર અને સોસાયટીઓના આંતરિક રસ્તાઓ ખાડાઓમાં એવી રીતે ફેરવાઈ ગયા છે કે વાહનો તો ઠીક પગે ચાલીને જવું આ પણ અસહ્ય દેખાઈ રહ્યું છે. કેટલીક સોસાયટી ઓમાં દયનિય સ્થિતિ તો એ છે કે જો કોઈ દર્દી બીમાર પડે તો એમ્બ્યુલન્સ કે અન્ય વાહન પણ આવી શકે એમ નથી. ગુજરાત સરકારની કોઈપણ યોજનાના કામો હોય આ કામો તા.૧૫ જૂન પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીઓમાં આવી જતા હોય છે પરંતુ હાલોલ ભૂગર્ભ ગટર યોજનાના ઈજારદાર એજન્સી ના એકદમ બેદરકાર વહીવટ અને આ વહીવટને પ્રોત્સાહન આપનાર પાણી પુરવઠા સત્તાધીશોના નફ્ફટ વહીવટના પગલે હાલોલ શહેરના હજારો પ્રજાજનો અને વાહન ચાલકોને બાનમાં લેવાના આ પ્રયાસો સામે પ્રજાનો આક્રોશ પણ હવે તંગ બની ગયો છે.
હાલોલ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની ચાલી રહેલ કામગીરી ઓમાં પાઈપ લાઈનના ખાડાઓ ખોદીને સીધેસીધી પાઈપો ઉતારી દેવાની આ ઉતાવળો સાથે ઉપર ઝડપથી કરી દેવાના આ માટી પુરાણ વરસાદી પાણી સાથે ગાબડાઓમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો ઠેર ઠેર દેખાઈ રહ્યા છે, ત્યારે પાઈપ લાઈન નાખતા પહેલા નીચે સેન્ડ બેઝ અગર તો સિમેન્ટ કોંક્રીટનો બેઝ તૈયાર કર્યા બાદ ગટર લાઈનની પાઈપોના જોડાણ કરવામાં આવે તો ગટર જોડાણની પાઈપોનું આ વ્યવસ્થા તંત્ર વર્ષો સુધી સચવાઈ શકે.
