અમદાવાદ
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જાસૂસી માટે તો નવરાત્રી એટલે દિવાળીનો સમય આવી ગયો તેમ કહી શકાય. અમદાવાદ શહેરમાં માતા-પિતા પોતાની દીકરી સાથે કોઈ ઘટના ન બની જાય કે કોઈ પુરુષ તેનો લાભ ન ઉઠાવી જાય તેના માટે જાસૂસ રાખતા હોય છે. એટલું જ નહી પરંતુ પોતાની દીકરી કોની સાથે બહાર જઈ રહી છે તેની પર પણ નજર રાખવા માટે જાસૂસને રાખતા હોય છે.
જાસૂસ તેમના પેકેજ પ્રમાણે ભાવ લેતા હોય છે. હાલ નવરાત્રીમાં ૫૦૦૦ રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે પરંતુ સ્પેશ્યલ કેસમાં તે ૧૦,૦૦૦ સુધીનો હોય છે.
માત્ર માતા-પિતા જ નહી પરંતુ પ્રેમી–પ્રેમિકા પણ જાસૂસી રાખવા માટે પૈસા ખર્ચતા હોય છે. પ્રેમી દ્વારા તેની પ્રેમિકા કોઈ બીજાના સંપર્કમાં ન આવી જાય અને તેની માટે તે ક્યાં ગરબા રમવા જાય છે કોની સાથે જાય છે તે બધાની માહિતી રાખવા માટે જાસૂસ રાખે છે.
જાસૂસી કરનાર લોકોની પોતાની ખાસ ટીમ હોય છે જે લોકો જાસૂસી મામલે પહેલેથી ટ્રેઈન કરવામાં આવે છે.
જાસૂસ દ્વારા યુવતિ ઘરેથી નીકળે ત્યાંથી જ ફોલો કરવામાં આવે છે. અને તે કોને ક્યાં મળે છે તેની સંપૂર્ણ વિગત મેળવવામાં આવે છે. જાસૂસ પારકો હોવાથી તેની વાતો પર વિશ્વાસ કેમનો કરવો તે સવાલના જવાબમાં તેઓ ફોટોગ્રાફ અને વિડીયો સાથેની પણ ડીટેઈલ આપતાં હોય છે. જો યુવતિ પોતાના અન્ય કોઈ પ્રેમી સાથે અથવા ગરબાને બદલે કોઈ અન્ય સ્થળે જાય તો તે સમયની તમામ તસવીરો જાસૂસ દ્વારા માતા-પિતા અથવા જેતે કોન્ટ્રાક્ટ આપનાર સામે રજૂ કરવામાં આવે છે.આ રીતે નવરાત્રીમાં જાસૂસ કામ કરે છે.
