દિલ્લી,
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે અયોધ્યાના વિવાદિત રામ જન્મભૂમિ અને બાબરી મસ્જીદના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠ સમક્ષ આ મામલા સાથે જોડાયેલા તમામ પક્ષોએ દસ્તાવેજો સાથે પોતાનો પક્ષ રાખ્યો હતો. આ સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડે કહ્યું કે, હાલમાં તેઓને દસ્તાવેજોના અનુવાદ માટે હજુ સમય આપવામાં આવે. ત્યારબાદ કોર્ટે આજની સુનાવણી સ્થગિત કરીને આગામી પીટીશન ૧૪ માર્ચના રોજ કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ગુરુવારની સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલ ગેરહાજર રહ્યા હતા ત્યારે આં દરમિયાન માત્ર રોજની ચર્ચા સિવાય ઉપર કોઈ ચર્ચા થઇ શકી ન હતી.
જસ્ટિસ દીપક મિશ્રાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ દ્વારા મામલાને એક જમીન વિવાદના રૂપમાં જોવામાં આવશે. કોર્ટે તમામ પક્ષોને બે સપ્તાહમાં દસ્તાવેજ તૈયાર કરવા માટે આદેશ આપ્યો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ મામલામાં હવે કોઈ નવા પક્ષકાર જોડાશે નહી.
રામ મંદિર મુદ્દે મુખ્ય પીટીશનર રામલલા, સુન્ની વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડા છે. સુન્ની વક્ફ બોર્ડ તરફથી એજાજ મકબૂલે કોર્ટમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં જે દસ્તાવેજ રજુ કરવાના છે તેનું હાલમાં અનુવાદ પૂરું થયું નથી.. બોર્ડ દ્વારા વધુમાં જણાવતા કહ્યું હતું કે, તાજેતરમાં દસ પુસ્તકો અને બે વીડિઓ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. જયારે ૪૨ ભાગમાં અનુવાદ થયેલા દસ્તાવેજ કોર્ટમાં જમા થઇ ચૂક્યા છે.
મહત્વનું છે કે, રાજકારણમાં મોટી અસર ઉભી કરનારો આ વિવાદ લગભગ ૧૬૪ વર્ષ જૂનો છે અને આ વિવાદ મામલા સાથે જોડાયેલા અલગ અલગ ભાષાઓમાં અનુવાદિત થયેલા ૯૦૦૦ પાનાઓને કોર્ટ સમક્ષ રજુ કરાઈ રહ્યા છે અને તે ચુકાદો આપશે.
