Gujarat News/ અનાજ વિતરણનો નવો યુગ! ગુજરાતમાં શરૂ થશે દેશનું પ્રથમ અનાજ એટીએમ, 35 સેકન્ડમાં નીકળશે અનાજ

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનું ₹2,856 કરોડનું બજેટ. Grain ATM સુવિધા, ખેડૂતોને મિલેટ્સ પર ₹300 બોનસ અને 75 લાખ પરિવારોને રાહત દરે અનાજ

Gujarat Top Stories Others
Grain ATM Gujarat

Grain ATM Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે ₹2,856 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. અન્ન મંત્રી રમણ સોલંકીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સરકાર ‘અંત્યોદય’ના સપનાને સાકાર કરવા ટેક્નોલોજી અને પારદર્શિતા સાથે છેવાડાના માનવી સુધી પોષણક્ષમ આહાર પહોંચાડવા સંકલ્પબદ્ધ છે.

Grain ATM Gujarat

‘મેડ ઇન ગુજરાત’ Grain ATM

રાજ્ય સરકાર અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેક્નોલોજી લાવી રહી છે, જેના ભાગરૂપે હવે 24*7 અનાજ મળી રહે તે માટે ‘અન્નપૂર્તિ’ (ગ્રેઈન એટીએમ) શરૂ કરવામાં આવશે. આ સુવિધા દ્વારા લાભાર્થી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો જેટલું અનાજ મેળવી શકશે અને આ પ્રોજેક્ટનો પ્રારંભ સંભવિત રીતે કલોલથી કરવામાં આવશે. આ સાથે જ દેશમાં પ્રથમવાર CBDC (ડિજિટલ કરન્સી) આધારિત ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરાયો છે, જેનાથી રેશનિંગની દુકાનો પર ઘણીવાર સર્જાતી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ નિષ્ફળ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

મિલેટ્સ પર ₹300નું બોનસ

શ્રીઅન્ન (મિલેટ્સ) ના વપરાશને પ્રોત્સાહન આપવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવામાં આવશે. આ માટે બજેટમાં ₹36.51 કરોડ ફાળવવામાં આવ્યા છે.

Grain ATM Gujarat

75 લાખ પરિવારોને સસ્તું અનાજ

રાજ્યમાં અંદાજે 75 લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે બજેટમાં ₹700 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, કુપોષણ દૂર કરવાના હેતુથી રાહત દરે કઠોળ પૂરા પાડવા માટે ₹841 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે અંતર્ગત હવેથી તુવેર દાળ, ચણા અને ખાંડ છૂટકને બદલે 1 કિલોના સુરક્ષિત પેકિંગમાં જ વિતરણ કરવામાં આવશે. સાથે જ, નાગરિકોમાં આયોડિનની ઉણપ દૂર કરવા માટે ડબલ ફોર્ટિફાઈડ મીઠું માત્ર ₹1 પ્રતિ કિલોના અત્યંત રાહત દરે આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દુકાનદારોના કમિશનમાં વધારો અને નવી વ્યવસ્થા

રાજ્યમાં વ્યાજબી ભાવના 17 હજારથી વધુ દુકાનદારો માટે મહત્વનો નિર્ણય લેતા તેમના કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ ₹150 થી વધારીને ₹185 નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ, અનાજની સંગ્રહ ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્યના 45 તાલુકાઓમાં 51 નવા અત્યાધુનિક ગોડાઉનો બાંધવાનું આયોજન છે. આ ઉપરાંત, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે એક નવતર પ્રયોગ કરતા વિશ્વમાં પ્રથમવાર કંપનીઓના ગ્રાહકો પ્રત્યેના વર્તનને માપવા માટે ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ (CRI) તૈયાર કરવામાં આવશે, જેના આધારે કંપનીઓને રેટિંગ આપવામાં આવશે.


આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27: 3.15 લાખ નવા આવાસ, ગરીબોને મફત અનાજ યથાવત રહેેશે

આ પણ વાંચો : ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27નું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, સામાન્ય વહીવટી વિભાગ માટે 2910 કરોડની જોગવાઈ