Gandhinagar News/ ગાંધીનગર કર્મયોગી ભવનમાં બોમ્બની ધમકી, કર્મયોગી ભવન ખાલી કરાવાયું

Gandhinagarના કર્મયોગી ભવનમાં તોલ-માપ વિભાગને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા ફફડાટ. BDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ.

Gujarat Gandhinagar Top Stories
Gandhinagar Bomb Threat

Gandhinagar Bomb Threat: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી મહત્વની સરકારી કચેરીઓના સંકુલ ‘કર્મયોગી ભવન’ પર આતંકી સાયો મંડરાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સેક્ટર-10માં આવેલા આ ભવનના તોલ-માપ વિભાગને એક અજાણ્યા સ્ત્રોત દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને વહીવટી તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે.

Gandhinagar Bomb Threat

Gandhinagar કર્મયોગી ભવનનો બ્લોક નંબર-2 ખાલી કરાવાયો

ઘટનાની વિગત મુજબ, કર્મયોગી ભવનના બ્લોક નંબર-2 માં આવેલી તોલ-માપ વિભાગની કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર એક મેઈલ મળ્યો હતો. આ ઈમેલમાં ભવનને ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. મેઈલ વાંચતા જ કચેરીમાં હાજર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાવચેતીના પગલારૂપે તાત્કાલિક અસરથી આખું કેમ્પસ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ હતી.

BDS અને ડોગ સ્ક્વોડનું સઘન સર્ચ ઓપરેશન

ધમકીભર્યા ઈમેલની જાણ થતા જ ગાંધીનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાવચેતીના પગલે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સમગ્ર બિલ્ડિંગને કોર્ડન કરી લેવામાં આવ્યું છે, જ્યાં પોલીસ દ્વારા દરેક માળ અને શંકાસ્પદ વસ્તુઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ સાયબર ક્રાઈમની ટીમ પણ સક્રિય થઈ છે અને આ ઈમેલ કયા સર્વર કે લોકેશન પરથી મોકલવામાં આવ્યો છે, તેની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી આ ગંભીર ધમકી પાછળના જવાબદારોને પકડી શકાય.

શું આ કોઈનું તોફાન છે?

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતની વિવિધ મહત્વની સંસ્થાઓ જેવી કે એરપોર્ટ, શાળાઓ, પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને આ પ્રકારે ધમકીભર્યા ઈમેલ મળવાનો સિલસિલો યથાવત છે. મોટાભાગના કિસ્સાઓમાં આ ધમકીઓ ‘હોક્સ’ (અફવા) સાબિત થઈ છે, પરંતુ ગાંધીનગરના સંવેદનશીલ વિસ્તારમાં મળેલી આ ધમકીને પોલીસ જરા પણ હળવાશથી લઈ રહી નથી.

હાલમાં સમગ્ર કર્મયોગી ભવન પોલીસના કડક સુરક્ષા ઘેરા હેઠળ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ફરીથી સરકારી કામકાજ શરૂ કરવામાં આવશે.



આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી