અમદાવાદ,
ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે.ગુજરાત કૉંગ્રેસના નેતાઓ રવિવારે દિલ્હી પહોંચી ગયા છે.અહીં તેઓ પક્ષના પ્રેસિડન્ટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.
રવિવારે ગુજરાત કૉંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચી ગયા હતા,જેમાં રાજ્યના પ્રભારી રાજીવ સાતવ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,પૂર્વ પ્રમુખો ભરત સોલંકી, સિદ્ધાર્થ પટેલ,શક્તિસિંહ ગોહેલ જેવા સીનયર નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા.
જો કે હાલ રાજ્ય કૉંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક ખેંચતાણને કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે કૉંગ્રેસનો આંતરિક જૂથવાદ શાંત કરવા હાઇકમાંડે આ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે.
પરંતુ સૂત્રો જણાવે છે કે આ મીટિંગ લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવી છે. અગાઉ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે શનિવારે અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે નારાજ થયેલા સિનિયર આગેવાનો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે પણ પ્રદેશ પ્રભારીને સમગ્ર મામલે નિવેડો લાવવા સ્પષ્ટ સૂચના આપી છે. સાથો સાથ લોકસભા બેઠકોની સમીક્ષાનો દોર પણ યોજાવાનો છે.
