Ahmedabad News/ જેને શુદ્ધ સમજીને ખાધું એમાં જ ખામી? અમદાવાદમાં પનીર, માવો અને ચવાણું ફેલ

AMCની નવેમ્બર મહિનાની તપાસમાં અમદાવાદના 479 ખાદ્ય એકમો તપાસાયા. 141 નમૂનાઓમાંથી પનીર, માવો, મિક્ષ ચવાણું અને ચાંદીના વરખના નમૂનામાં ખામી(Food Sample Failed) સામે આવી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Food Sample Failed: અમદાવાદમાં પનીર, માવો અને ચવાણાના નમૂના ફેલ

Ahmedabad News: અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન વેચાયેલા ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે સવાલો ઊભા (Food Sample Failed) થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે (AMC Food Department) નવેમ્બર મહિનાના પ્રથમ 16 દિવસમાં 479 એકમોની તપાસ કરી હતી. આ દરમિયાન લેવામાં આવેલા 141 ખાદ્ય નમૂનાઓમાંથી લો ફેટ પનીર, મીઠો માવો, મિક્ષ ચવાણું અને ચાંદીના વરખ સહિતના ચાર નમૂના અપ્રમાણિત અથવા અસુરક્ષિત જાહેર થયા છે. ફૂડ વિભાગે આ તપાસ દરમિયાન 148 એકમોને નોટિસ પણ ફટકારી છે.

Food Sample Failed: પનીર, માવો અને ચવાણું સબસ્ટાન્ડર્ડ જાહેર

ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસમાં આંબાવાડીમાં આવેલી વિવેક ચાઇના ટાઉન લારીમાંથી લેવામાં આવેલા ‘લો ફેટ પનીર’નો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. માણેકચોકમાં પટેલ ચતુરભાઈ શીવરામ પાસેથી લેવામાં આવેલો ‘મીઠો માવો’ પણ સબસ્ટાન્ડર્ડ જણાયો છે.

તેવી જ રીતે વટવામાં આવેલા શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાંથી લેવાયેલું ‘મિક્ષ ચવાણું’ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. જ્યારે કાલુપુરમાં આવેલી એચ.એમ. વરખવાલા પ્રા.લી.માંથી લેવામાં આવેલા ચાંદીના વરખનો નમૂનો ‘અનસેફ’ જાહેર થયો છે.

નકલી વસ્તુઓ અસલીના નામે વેચાતી હોવાની શક્યતા

AMCના ફૂડ વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક વેપારીઓ ઉત્પાદક પાસેથી સસ્તી અથવા અલગ વસ્તુ ખરીદીને ગ્રાહકોને અસલી વસ્તુના નામે વેચતા હોવાની શક્યતા છે. મેનુ, ડિસ્પ્લે બોર્ડ, ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ અને બિલમાં ખોટું નામ દર્શાવી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની ફરિયાદો સામે આવી છે.

આ પ્રકારના વેચાણને રોકવા માટે ફૂડ સેફ્ટી વિભાગે હોટલ, રેસ્ટોરાં, આઈસ્ક્રીમ પાર્લર, બેકરી, મીઠાઈની દુકાનો અને કેટરર્સને સૂચના આપી છે. વેપારીઓએ ગ્રાહકોને ખાદ્યપદાર્થોની સાચી ઓળખ આપવી (Food Adulteration Ahmedabad) પડશે. સાથે જ ખરીદીનાં બિલ અને મૂળ લેબલ તપાસ માટે સાચવી રાખવા પડશે.

આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ સહિતની ભેળસેળની શક્યતા

ફૂડ વિભાગે ગ્રાહકોને સાવચેત કરતાં જણાવ્યું છે કે કેટલાક સ્થળે આઈસ્ક્રીમના નામે વનસ્પતિ ચરબીવાળું ‘ફ્રોઝન ડેઝર્ટ’, ચીઝના નામે વનસ્પતિ ચરબી આધારિત વિકલ્પ અને બટરના નામે વનસ્પતિ ચરબી આધારિત સ્પ્રેડ વેચવામાં આવી શકે છે.

આ ઉપરાંત, ટામેટા કેચપના બદલે ટામેટાના સ્વાદવાળી ચટણી, લુઝ ઘીના નામે વેજિટેબલ ફેટ, શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલ, મધમાં ખાંડની ચાસણી, કેસરના નામે રંગેલા વનસ્પતિ રેસા, ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમની પરત અને કાળા મરીમાં સૂકવેલા પપૈયાના બીજની ભેળસેળ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

479 એકમોની તપાસ, રૂ.4.34 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો

નવેમ્બર મહિનાના પ્રથમ 16 દિવસમાં ફૂડ વિભાગે 479 એકમોની તપાસ કરી હતી અને 148 એકમોને નોટિસ ફટકારી હતી. આ દરમિયાન અલગ-અલગ પ્રકારની મીઠાઈના 65, નમકીનના 21 તેમજ દૂધ અને દૂધની બનાવટો, મુખવાસ, બેકરી પ્રોડક્ટ્સ સહિત કુલ 141 ખાદ્ય નમૂનાઓ પૃથક્કરણ માટે લેવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન રૂ.4.34 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. ઉપરાંત, અંદાજે 2,832 કિલોગ્રામ ઘન ખાદ્યપદાર્થો અને 322 લિટર પ્રવાહી ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તેલની ગુણવત્તા ચકાસવા માટે 115 TPC ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

ભેળસેળ જણાશે તો એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી

AMCના ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રાખવામાં આવશે. તપાસ દરમિયાન ઉત્પાદકનું મૂળ લેબલ, ખરીદીનું બિલ અને વેચાણ વખતે દર્શાવવામાં આવેલા નામની ચકાસણી કરવામાં આવશે. નિયમોનો ભંગ, લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો અથવા બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ખાદ્યપદાર્થોનું વેચાણ થતું જણાશે તો FSSAI અને GPMC એક્ટ હેઠળ એકમ સીલ કરવા તેમજ ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.


આ પણ વાંચો: AMC ફૂડ સેફ્ટી વિભાગની મીઠાઈ-ફરસાણની દુકાનોમાં કાર્યવાહી,  નરોડાની જૈન સુપર નમકીન ફેક્ટરી સીલ

આ પણ વાંચો: દિવાળીની મીઠાઈ અને ફરસાણ ખરીદતાં પહેલાં સાવધાન! AMCની તપાસમાં 27 નમૂના ફેલ

આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગના દરોડા, નારણપુરાની ભજીયા-પકોડાની દુકાન અને વટવાનું ભારત ફૂડ એકમ સીલ