Ahmedabad News: અમદાવાદના નરોડામાં વપરાયેલા રસોઈ તેલના નિકાલનો રેકોર્ડ ન મળતાં નમકીન ફેક્ટરી સીલ (namkeen factory sealed) કરવામાં આવી છે. AMCના ફૂડ સેફ્ટી વિભાગે દિવાળી પહેલા મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા ચકાસવા તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન એકમમાંથી 1000 કિલો જથ્થો સ્થગિત કરાયો છે.
AMCના ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી
નરોડાના મધુસુદન બિઝનેસ પાર્કમાં આવેલી જૈન સુપર નમકીન ફેક્ટરીની તપાસમાં વપરાયેલા રસોઈ તેલના સંગ્રહ અને નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું જણાયું હતું.
વપરાયેલું તેલ અધિકૃત એજન્સીને સોંપવાની વ્યવસ્થા અને જરૂરી રેકોર્ડ પણ ઉપલબ્ધ નહોતાં. વપરાયેલા તેલનો નિકાલ (used oil disposal) અંગેની આ ખામી ધ્યાને લઈને એકમને સીલ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન વપરાયેલા તેલ અને બેસનના નમૂના લેવાયા હતા. સાથે જ 1000 કિલો તૈયાર નમકીન, બેસન અને મેંદાનો જથ્થો સ્થગિત કરાયો હતો. વપરાયેલા તેલના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી થશે.
દિવાળી પહેલા ગુણવત્તાની ચકાસણી
તહેવારમાં મીઠાઈ-ફરસાણની માગ વધતી હોવાથી ફૂડ સેફ્ટી વિભાગ (food safety department)એ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ઉત્પાદન પ્રક્રિયા, સ્વચ્છતા અને તળવા માટેના તેલની તપાસ શરૂ કરી છે.
સોમવારે (26 ઓક્ટોબર) મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ-ફરસાણ તપાસ (sweets farsan inspection) હાથ ધરી હતી. તેમાં મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોના કુલ 29 નમૂના લેવાયા, જે લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે.
ભાવનગરી સ્વીટ માર્ટ, ક્રિષ્ના સ્વીટ માર્ટ, શ્રી નાગર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, ગ્વાલીયા સ્વીટ્સ, અમૃત મીઠાઈ જંક્શન અને હિરા મિષ્ઠાન સહિતના એકમોમાંથી નમૂના લેવાયા હતા. કાજુ કતરી, મોહનથાળ, પેંડા, કલાકંદ, બરફી, રસગુલ્લા, બેસન અને વપરાયેલા તેલ સહિતના નમૂના કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલાયા છે.
નમકીન ફેક્ટરી સીલ ઉપરાંત અગાઉના નમૂનામાં પણ ખામી
વિભાગે અગાઉ લીધેલા નમૂનાઓના લેબોરેટરી પરિણામો પણ જાહેર કર્યા છે. 15 ઓક્ટોબરે બહેરામપુરાના MJF Food એકમમાંથી લેવાયેલા ‘સ્નેક ટચઅપ’ના નમૂનામાં ધોરણો મુજબ જે ન હોવા જોઈએ તેવા સિન્થેટિક કલર મળ્યા હતા. સ્ટાર્ચની તપાસમાં પણ પોઝિટિવ પરિણામ આવ્યું હતું.
આ નમૂનો સબ-સ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર કરાયો હતો. એકમમાંથી 2000 કિલો સ્નેક ટચઅપ, ટામેટા પાઉડર અને અન્ય કાચા માલનો જથ્થો જપ્ત કરી એકમ સીલ કરાયો હતો.
17 ઓક્ટોબરે ગોતા વિસ્તારના આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગમાંથી લેવાયેલા નમૂનાઓમાં પણ ખામી મળી હતી. ‘સ્નેક ટચઅપ’નો નમૂનો અનસેફ જાહેર થયો, જ્યારે ‘ટોમેટો પેસ્ટ’ અને ‘બટાકાની પેસ્ટ’ સબ-સ્ટાન્ડર્ડ નમૂના (sub-standard samples) ગણાયા.
બળેલા તેલના સેવનથી કયા જોખમ
ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા અનુસાર, રસોઈનું તેલ વારંવાર ગરમ કરવાથી તેમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ વધી શકે છે. નિયમો મુજબ TPC 25 ટકાથી વધુ હોય તેવું વપરાયેલું વનસ્પતિ તેલ માનવ વપરાશ માટે વાપરી શકાતું નથી.
વિભાગ મુજબ, આવા તેલનો વારંવાર ઉપયોગ કરીને સેવન કરવામાં આવે તો હાઇ બ્લડ પ્રેશર, ધમનીઓમાં ચરબી જમા થવી (એથેરોસ્કોરિસસ), યકૃતના રોગ અને અલ્ઝાઇમર સહિતના રોગ થઈ શકે છે.
50 કિલોથી વધુ તેલ વપરાય તો રેકોર્ડ જરૂરી
કોર્પોરેશનના ફૂડ વિભાગ મુજબ, તળવા માટે રોજ 50 કિલો અથવા લિટરથી વધુ રસોઈ તેલ વાપરતા ફૂડ બિઝનેસે દૈનિક વપરાશ, વપરાયેલા તેલના જથ્થા અને નિકાલની વિગતોનો રેકોર્ડ રાખવો જોઈએ.
વપરાયેલું તેલ અલગ અને યોગ્ય રીતે ઓળખી શકાય તેવા પાત્રમાં રાખી અધિકૃત એજન્સીને સોંપવું જોઈએ. વિભાગે ખાદ્ય પદાર્થો બનાવતા એકમોને રેકોર્ડ જાળવવા અને અધિકૃત એજન્સી મારફતે નિકાલ કરવા સૂચના આપી છે. તહેવારમાં નિયમોનું ઉલ્લંઘન જણાય તો લાગુ કાયદા હેઠળ કાર્યવાહીની ચેતવણી પણ અપાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદના ગોતામાંથી 10 ટન નકલી સોસ ઝડપાયો, ફૂડ વિભાગના દરોડા
આ પણ વાંચો: મહેસાણામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 20 સ્થળોએ તપાસ અને અખાદ્ય જથ્થાનો નાશ
આ પણ વાંચો: નવરાત્રિમાં સ્ટ્રીટ ફૂડ ખાતા પહેલાં સાવધાન! સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી
