Tharad News: વાવ-થરાદના ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીઓ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાનો બનાવ (Tharad Police Attack) સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બેરીકેટ તોડીને કાર ભગાવવાનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ઘટનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર અને ત્રણ મોબાઇલ ફોન કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Tharad Police Attack: ચેકિંગ દરમિયાન બેરીકેટ તોડી કાર ભગાવી
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ખોડા ચેકપોસ્ટ (Khoda Check Post) પર રાજસ્થાનના સાંચોર તરફથી આવતી એક સ્કોર્પિયો કાર પોલીસને શંકાસ્પદ જણાઈ હતી.
પોલીસે કાર રોકવા માટે ઇશારો કર્યો હતો. જોકે, આરોપીએ વાહન રોકવાને બદલે ઝડપથી હંકારી ચેકિંગ માટે મૂકવામાં આવેલા બેરીકેટ તોડી નાખ્યા હતા. પોલીસના આક્ષેપ મુજબ, કાર દ્વારા ફરજ પરના કર્મચારીઓને અડફેટે લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
પોલીસકર્મીઓને ધમકી આપ્યાનો પણ આક્ષેપ
ઘટના બાદ કારમાં સવાર શખસો નીચે ઊતર્યા હતા અને પોલીસકર્મીઓને અપશબ્દો કહી ધમકી આપી હોવાનો આરોપ છે. તેમણે ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ (Police Vehicle Checking) કરવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
પકડાયેલા ત્રણ આરોપીઓનાં નામ
પોલીસે આ મામલે નીચેના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હોવાની માહિતી આપી છે:
– હિરેન ઉર્ફે હની સગથાભાઈ રાજપુત: પીલુડા, થરાદ
– કિરણ બળદેવભાઈ જોષી: વામી, થરાદ
– પ્રિન્સ પ્રકાશભાઈ જોષી: વામી, થરાદ
એક આરોપી સામે અગાઉ NDPSનો ગુનો નોંધાયો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી હિરેન ઉર્ફે હની સામે અગાઉ થરાદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધાયેલો છે. આ કેસમાં NDPS એક્ટની કલમ 8(C), 21(B), 22(B) અને 26નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્રણેય આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: રાજકોટમાં નકલી દવાની વેબસાઇટથી છેતરપિંડીનો આરોપ, 10 ઝડપાયા અને 5 ફરાર
આ પણ વાંચો: વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, 3 યુવકો ઝડપાયા! પૂછપરછમાં કહ્યું- ‘મસ્તી માટે કર્યું’
આ પણ વાંચો: વડોદરાની જ્વેલર્સમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ! 7 આરોપી ઝડપાયા
