Vadodara News: વડોદરા શહેરમાં મુંબઈના વેપારી પાસેથી રૂ.8.28 કરોડથી વધુ કિંમતના સોનાના દાગીના પડાવી (Vadodara Gold Robbery) લેવાના ચકચારી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબિકા જ્વેલર્સમાં વેપારી સોનાના (Shri Ambika Jewellers)દાગીનાની બે બેગ મૂકીને વોશરૂમમાં ગયા ત્યારે આરોપીઓ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત કુલ 7 લોકોને ઝડપી (7 Accused Arrested) પાડ્યા છે. આરોપીઓ પાસેથી સોનાના દાગીના, ચાંદીના છડા, વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.3,31,71,123નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ગુનાનો મુખ્ય આરોપી ભાવીકકુમાર સોની ગોવાથી ઝડપાયો હતો. તપાસમાં વેપારીનો વિશ્વાસ જીતીને દાગીના દુકાનમાં રખાવવા અને ત્યારબાદ સાગરીતોની મદદથી બેગો લઈ જવાનું કાવતરું ઘડાયું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે.
Vadodara Gold Robbery: વેપારીનો વિશ્વાસ જીતી દુકાનમાં રાખાવ્યા સોનાના દાગીના
ખેડા જિલ્લાના ડાકોરમાં રહેતા ભાવીક દિપેશકુમાર સોનીએ પોતાના સાગરીતો સાથે મળીને કાવતરું ઘડ્યું હોવાનો પોલીસનો આરોપ છે. તેણે વડોદરાના વાઘોડિયા રોડ પર સાંઈ ગણેશ કોમ્પ્લેક્સમાં ‘શ્રી અંબિકા જ્વેલર્સ’ નામે દુકાન ભાડે રાખીને વેપાર કરતો હોવાનું જણાવી મુંબઈના વેપારીનો વિશ્વાસ જીત્યો હતો.
ત્યારબાદ વેપારના હેતુથી મુંબઈના વેપારી પાસેથી રૂ.8,28,37,680ની કિંમતના (₹8.28 Crore Gold Robbery) 5 કિલો 500 ગ્રામ 510 મિલિગ્રામ વજનના સોનાના વિવિધ દાગીના મંગાવવામાં આવ્યા હતા.
વેપારી વોશરૂમમાં ગયો અને બે બેગ લઈને આરોપીઓ ફરાર
11 ઓક્ટોબર, 2026ના રોજ મુંબઈનો વેપારી સોનાના દાગીના લઈને વડોદરા આવ્યો હતો. મુખ્ય આરોપી ભાવીક સોનીએ દાગીનાની બેગો પોતાની દુકાનમાં રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ જમવા જવાનું કહી દુકાનને તાળું મારી દીધું હતું અને ચાવી પાણીના જગ નીચે સંતાડી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
વેપારી વોશરૂમમાં ગયો ત્યારે અન્ય આરોપીઓએ સંતાડેલી ચાવીની મદદથી દુકાનનું તાળું ખોલ્યું હતું. ત્યારબાદ સોનાના દાગીનાથી ભરેલી બે બેગ લઈને તેઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બાદમાં તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલાયો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી ભાવીકકુમાર સોનીને ગોવાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુનામાં સંડોવણીના આરોપસર અન્ય છ વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મહેશ ભરવાડે કાવતરામાં ભાગ લઈને મુખ્ય આરોપી સાથે સંપર્ક જાળવ્યો હતો. તેણે રૂ.40 હજાર રોકડા તેમજ ચાંદીના છડા અને ચાંદી મેળવી અન્ય સાગરીતોને એકત્ર કરવામાં ભૂમિકા ભજવી હતી. રાહુલ ભરવાડ, દીપક વાઘેલા અને જયેશ ઉર્ફે ભયલુ કહારે દુકાનની ચાવી ક્યાં રાખવામાં આવી છે તેની માહિતીના આધારે તાળું ખોલીને સોનાની બેગો બહાર કાઢી હતી અને એક્સેસ મોપેડ પર ફરાર થયા હતા.
હાલોલમાં કપડાં બદલ્યાં, ફાર્મહાઉસમાં કરી ભાગબટાઈ
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ વડોદરાથી ભાગીને હાલોલ પહોંચ્યા હતા. ઓળખ છુપાવવા માટે બસ સ્ટેન્ડ સામે આવેલી કપડાની દુકાનમાંથી કપડાં બદલીને તેઓ અગાઉથી નક્કી કરેલા ફાર્મહાઉસના રૂમમાં ભેગા થયા હતા.
આરોપી સાજન ભોઈએ સાગરીતોને એકત્ર કરવા અને સોનાના દાગીનાની ભાગબટાઈ કરવા માટે હાલોલમાં રૂમની વ્યવસ્થા કરી હોવાનો પોલીસનો આરોપ છે. ત્યારબાદ આરોપીઓએ દાગીનાની ભાગબટાઈ કરી હતી. ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બેગ અને લેપટોપનો નાશ કરવા માટે તેને સ્કોર્પિયો કારમાં લઈ જઈ કેનાલમાં ફેંકી દેવામાં આવ્યાં હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપી સાગર વાઘેલા પણ ગુના બાદ હાલોલમાં પહોંચીને મુદ્દામાલની ભાગબટાઈમાં સામેલ થયો હોવાનો આરોપ છે.
રૂ.3.31 કરોડનો મુદ્દામાલ જપ્ત
ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન કુલ રૂ.3,31,71,123નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં મુખ્યત્વે નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:
સોનાના દાગીના: 2 કિલો 376 ગ્રામ 400 મિલિગ્રામ વજનના, કિંમત રૂ.3,11,20,623, ચાંદીના છડા: 519.9 ગ્રામ વજનના 12 છડા, કિંમત રૂ.98,000, વાહનો: એક સ્કોર્પિયો, એક મારુતિ સ્વિફ્ટ કાર અને ત્રણ ટુ-વ્હીલરમોબાઇલ ફોન: 11, પોલીસે જણાવ્યું છે કે બાકીના મુદ્દામાલની શોધખોળ ચાલુ છે.
ઝડપાયેલા 7 આરોપીઓનાં નામ
ભાવીક દિપેશકુમાર સોની (32): ડાકોર, જિલ્લો ખેડા, મહેશ કાશીરામ ભરવાડ (29): દરજીપુરા, વડોદરા, દીપક રમેશ વાઘેલા (25): વારસિયા, વડોદરા, જયેશ ઉર્ફે ભયલુ કાલકાપ્રસાદ કહાર (27): કિશનવાડી, વડોદરા, સાજન મધુસુદનભાઈ ભોઈ (32): બાપોદ, વડોદરા, સાગર કૈલાસ વાઘેલા (27): પાણીગેટ, વડોદરા, રાહુલ હનુ મીર ઉર્ફે ભરવાડ (27): ખોડિયારનગર, વડોદરા
મુખ્ય આરોપી સહિત ત્રણના 3 દિવસના રિમાન્ડ
આ કેસમાં મુખ્ય આરોપી ભાવીકકુમાર સોની, સાગરભાઈ વાઘેલા અને રાહુલભાઈ મીરના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ તેમની પૂછપરછ કરીને બાકીનો મુદ્દામાલ ક્યાં છે, ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો અંગે વધુ તપાસ કરી રહી છે.
આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા હોવાનો પોલીસનો દાવો
પોલીસના જણાવ્યા મુજબ, સાગર વાઘેલા અગાઉ લૂંટ, ઘરફોડ ચોરી, વાહનચોરી, રમખાણો, હત્યાની કોશિશ અને મારામારી સહિતના 12 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. તેની સામે બે વખત પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ હતી.
જયેશ કહાર અને સાજન ભોઈ અગાઉ વિવિધ ગુનાઓમાં 8-8 વખત પકડાયા હોવાનું પોલીસે જણાવ્યું છે. મહેશ ભરવાડ સામે અગાઉ 3 ગુનાઓ, જ્યારે દીપક વાઘેલા અને રાહુલ મીર સામે 2-2 ગુનાઓમાં સંડોવણીના કેસ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અને વેપારીના બાકીના સોનાના દાગીના ક્યાં છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ઘરફોડ અને વાહન ચોરીના 3 આરોપી અમદાવાદ ગ્રામ્ય LCBના સકંજામાં
આ પણ વાંચો: જીમમાંથી ₹1.95 લાખનું INBODY મશીન ચોરી, બે આરોપી ઝડપાયા; OLX પર ₹1.50 લાખમાં વેચ્યું
આ પણ વાંચો: પીઠડીયા-શાપરમાં ખનીજ ચોરીનો મોટો ખેલ પકડાયો! 4 આરોપી ઝડપાયા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
