Ahmedabad News: દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે(Food Department) શહેરમાં ખાદ્યપદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સાથે સંકળાયેલા એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તપાસ દરમિયાન તળવા માટે વપરાતા તેલમાં TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ)નું પ્રમાણ 27.5 જણાતા નારણપુરાની ભજીયા-પકોડાની દુકાન સીલ કરવામાં આવી. સોસના ત્રણ નમૂના અપ્રમાણિત જાહેર થતાં વટવાનું ભારત ફૂડ એકમ પણ સીલ કરાયું.
Food Department ના દરોડા, ભજીયા-પકોડાની દુકાન સીલ
નારણપુરાની પલ્લવ નગર સોસાયટી(Pallav Nagar Society)માં આવેલી ભજીયા-પકોડાની દુકાનમાં તળવા માટે વપરાતા તેલનું TPC ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમાં TPCનું પ્રમાણ 27.5 જણાયું. જાહેર આરોગ્યની દૃષ્ટિએ તળવાના તેલની ગુણવત્તા જાળવવી જરૂરી હોવાથી વિભાગે તાત્કાલિક અસરથી દુકાન સીલ કરવાની કાર્યવાહી કરી.
સોસના 3 નમૂના અપ્રમાણિત, વટવાનું એકમ સીલ
વટવાના નીલકંઠ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલા ભારત ફૂડ એકમમાંથી અગાઉ વિભાગે સોસના ત્રણ નમૂના લીધા હતા. ફૂડ એનાલિસિસ લેબોરેટરીના અહેવાલમાં ત્રણેય નમૂના અપ્રમાણિત જાહેર થયા. તેથી કાયદેસરની કાર્યવાહી કરી એકમને સીલ કરવામાં આવ્યું.
ટેસ્ટિંગ કિટ ન રાખનારા 4 એકમો પાસેથી 40 હજારનો વહીવટી ચાર્જ
ગ્રાહકો પોતે ખાદ્યપદાર્થોની પ્રાથમિક ગુણવત્તા ચકાસી શકે તે માટે મીઠાઈ-ફરસાણના એકમોમાં ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ થઈ હતી. નીચેના ચાર એકમોમાં કિટ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું:
જોધપુરમાં અંબિકા સ્વીટ અને ફરસાણ, વસ્ત્રાલ(Vastral)માં ગોપી ડેરી એન્ડ સ્વીટ, નરોડામાં અંબિકા સ્વીટ અને ફરસાણ, નારણપુરામાં પંજરી મીઠાઈ- આ ચારેય એકમો પાસેથી કુલ 40 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો.
18 એકમોમાંથી 23 નમૂના લેવાયા
દિવાળીને ધ્યાનમાં રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 18 એકમોમાંથી કુલ 23 નમૂના લેવાયા છે. તેમાં દૂધનો હલવો, બેસન, શક્કરપારા, મિલ્ક કેક, બરફી, બેસનના લાડુ, કાજુ કતરી, સાદા મૈસૂર, મગજ, કાજુ કલશ, હલવો, ટ્રેડિશનલ સ્વીટ, દાબેલી, ધારી, પેંડા, ટોપરાપાક, મોહનથાળ, ચવાણું, મીઠો માવો અને દાળમૂઠનો સમાવેશ થાય છે. નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે. અહેવાલ મળ્યા બાદ તારણો અનુસાર સંબંધિત એકમો સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Blinkitના સ્ટોરમાં Food & Drug વિભાગની રેડ, ખાદ્ય સામગ્રીની સ્થિતિ જોઈ અધિકારીઓ ચોંક્યા
આ પણ વાંચો: મહેસાણામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 20 સ્થળોએ તપાસ અને અખાદ્ય જથ્થાનો નાશ
આ પણ વાંચો: ફૂડ શાખાનો 71 પેઢીઓ પર સપાટો, 45 કિલો અખાદ્ય તેલ અને 75 કિલો વાસી ખોરાકનો નાશ
