Jamnagar News: શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ કડક કાર્યવાહી (Jamnagar Food Department Raid) હાથ ધરી છે. મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે શહેરના પાણાખાણ, શરુ સેક્શન રોડ, મુલ્લા મેડી સહિતના વિસ્તારોમાં આવેલી 71થી વધુ હોટલ, રેસ્ટોરાં, ફરસાણની દુકાનો અને ફાસ્ટફૂડ સ્ટોલ (Stale Food) પર સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું.
71થી વધુ વેપારી એકમોની તપાસ
અભિયાન દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, ફૂડ સેફ્ટી ધોરણો તેમજ રસોઈમાં વપરાતા તેલની તપાસ કરવામાં આવી હતી. ફાસ્ટફૂડ અને ફરસાણ બનાવતી દુકાનોમાં વપરાતા ખાદ્ય તેલની TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ) કસોટી પણ કરવામાં આવી હતી.
45 કિલો અખાદ્ય તેલ અને 75 કિલો વાસી ખોરાકનો નાશ
તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જણાતા 45 કિલો અખાદ્ય તેલ, 15 કિલો પ્રિન્ટેડ પસ્તી (ફૂડ પેકિંગ માટે વપરાતી) અને 25 કિલો વાસી ખોરાક સ્થળ પર જ જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અન્ય તપાસ દરમિયાન હોટલ, રેસ્ટોરાં અને નોનવેજની 13 દુકાનોમાંથી વધુ 50 કિલો વાસી ખાદ્ય સામગ્રી પણ જપ્ત કરીને નષ્ટ કરવામાં આવી હતી. આમ કુલ મળીને 75 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો.
વેપારીઓ પાસેથી રૂ.19 હજારનો દંડ વસૂલાયો
ચેકિંગ દરમિયાન ગંદકી, સ્વચ્છતાના અભાવ અને ફૂડ સેફ્ટી નિયમોના ભંગ બદલ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ રૂ.19,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
પાણાખાણ વિસ્તારમાં 7 પેઢીઓને દંડ
પાણાખાણ વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા સાથે સંયુક્ત કામગીરી દરમિયાન 7 વેપારી એકમોમાં ગંદકી અને જાહેર ઉપદ્રવ જોવા મળતા કુલ રૂ.14,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ દુકાનોમાં નિયમિત સફાઈ રાખવા અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી.
એક્સપાયરી માલ રાખનાર બેકરી સામે કાર્યવાહી
ઓનલાઈન મળેલી ફરિયાદના આધારે શરુ સેક્શન રોડ પર આવેલી ‘શ્રી સાંઈ બેકર્સ’માં તપાસ દરમિયાન એક્સપાયરી (Expired Food) ડેટવાળા 24 પેકેટ મળી આવ્યા હતા. ફૂડ વિભાગે (Food Department Raid) સમગ્ર જથ્થો નષ્ટ કરીને વેપારી પાસેથી રૂ,5,000નો દંડ વસૂલ્યો હતો અને ભવિષ્યમાં આવી બેદરકારી ન રાખવા ચેતવણી આપી હતી.મુલ્લા મેડી વિસ્તારમાં આવેલી ‘ન્યુ બહાર પાન હાઉસ’માં તપાસ દરમિયાન સ્વચ્છતાનો અભાવ જણાતા સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત પાનની ચટણી અને કાથાના નમૂનાઓ લઈ વધુ તપાસ માટે જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
ફૂડ વિભાગે આપી ચેતવણી
જામનગર મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ભેળસેળયુક્ત, વાસી અથવા આરોગ્ય માટે હાનિકારક ખાદ્યપદાર્થો વેચનાર વેપારીઓ સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરભરમાં નિયમિત ચેકિંગ અભિયાન વધુ તેજ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: લાંચ લેતા આઉટસોર્સ કર્મચારીઓ પણ હવે ‘જાહેર સેવક’ ગણાશે, ભ્રષ્ટાચાર કેસમાં થશે તાત્કાલિક કાર્યવાહી
આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ વિભાગનો દરોડો: બાલાજી ઢોસા સેન્ટરમાંથી 115 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો, દુકાન સીલ
આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ વિભાગની મેગા કાર્યવાહી: ભેળસેળયુક્ત પનીર-મલાઈનો જથ્થો ઝડપાયો, 3 ડેરી સીલ
