Rajkot News/ રાજકોટમાં ફૂડ વિભાગની મેગા કાર્યવાહી: ભેળસેળયુક્ત પનીર-મલાઈનો જથ્થો ઝડપાયો, 3 ડેરી સીલ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે (Rajkot Food Department,) ભેળસેળયુક્ત પનીર અને ફુગવાળી મલાઈ સામે મેગા કાર્યવાહી કરી. 636 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો, ત્રણ ડેરી સીલ અને રૂ. 37,700નો દંડ વસૂલાયો.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Food Department: ફુગવાળી મલાઈ અને શંકાસ્પદ પનીર ઝડપાયું

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે (Rajkot Food Department) શહેરમાં ભેળસેળયુક્ત અને અખાદ્ય ખાદ્યપદાર્થો સામે મેગા ચેકિંગ અભિયાન હાથ ધરીને મોટી કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન પનીર અને મલાઈનું ઉત્પાદન કરતી ત્રણ ડેરીમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા તાત્કાલિક અસરથી તેમના એકમોને સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 636 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.

Rajkot Food Department: 636 કિલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ

ફૂડ સેફ્ટી વિભાગ (Rajkot Food Department) ની ટીમોએ લાતી પ્લોટ, 150 ફૂટ રિંગ રોડ અને કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં આવેલી પનીર અને ડેરી પ્રોડક્ટ્સ બનાવતી સંસ્થાઓમાં આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ ફુગવાળી મલાઈ, શંકાસ્પદ પનીર તેમજ સ્વચ્છતાના નિયમોના ગંભીર ભંગ સામે આવ્યા હતા.

Rajkot Food Department
Rajkot Food Department

લાતી પ્લોટ સ્થિત ફોરચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં અસ્વચ્છ પરિસ્થિતિમાં ઉત્પાદન થતું હોવાનું જણાતા પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આરોગ્યના નિયમોના ભંગ બદલ રૂ. 5,000નો દંડ ફટકારી એકમને સીલ કરવામાં આવ્યો હતો.

150 ફૂટ રિંગ રોડ પર આવેલી શ્રીરામ ડેરીમાં તપાસ દરમિયાન મોટી માત્રામાં ફુગવાળી મલાઈ મળી આવી હતી. અંદાજે 500 કિલોગ્રામ જેટલી મલાઈ, જેની બજાર કિંમત આશરે રૂ. 1.75 લાખ હોવાનું જણાવાયું છે, તેને જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. અહીંથી પનીર અને મલાઈના નમૂનાઓ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ડેરી સામે રૂ. 5,000નો દંડ ફટકારી પ્રિમાઇસિસ સીલ કરવામાં આવ્યા હતા.

કોઠારીયા મેઇન રોડ પર આવેલી શ્યામ ડેરી પ્રોડક્ટ્સમાં પણ શંકાસ્પદ પનીર (એનલોગ) મળી આવતા નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ આ એકમ સામે પણ રૂ. 5,000નો દંડ ફટકારી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Rajkot Food Department
Rajkot Food Department

આ ત્રણેય ડેરીમાંથી કુલ ચાર સત્તાવાર નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત ત્રણેય ડેરીઓ પાસેથી કુલ રૂ. 15,000નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.

આ સાથે ફૂડ વિભાગે (Rajkot Food Department)  શહેરના સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં પણ ખાણી-પીણીના એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ત્રણેય ઝોનમાંથી કુલ 136 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને વિવિધ વેપારીઓ પાસેથી રૂ. 22,700નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સમગ્ર અભિયાન દરમિયાન કુલ રૂ. 37,700ની પેનલ્ટી વસૂલાઈ અને કુલ 636 કિલોગ્રામ અખાદ્ય જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ નાશ કરવામાં આવ્યો.

આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે ભેળસેળયુક્ત પનીર, ફુગવાળી મલાઈ અથવા અયોગ્ય રીતે તૈયાર કરાયેલા ડેરી ઉત્પાદનોના સેવનથી ફૂડ પોઇઝનિંગ, ડાયેરિયા, ટાઈફોઈડ, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, લિવર અને કિડનીને નુકસાન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. લાંબા ગાળે આવા ખોરાકના સેવનથી હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.

મનપાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગેનું ચેકિંગ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે અને આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:ભેળસેળ કરનારાઓ સામે રાજ્યવ્યાપી ફૂડ સેફ્ટી અભિયાન

આ પણ વાંચો:રાજકોટમાં ફૂડ સેફ્ટી ટીમનો મોટો દરોડો: પીઝા પાર્લરમાં ગંદકી, વાસી ખોરાક અને જીવાતોનો ભંડાફોડ

આ પણ વાંચો:વેપારીઓ સાવધાન! ડુપ્લિકેટ પનીરના વેચાણ પર ફૂડ સેફ્ટી વિભાગના કડક નિયમો જાહેર