Gandhinagar News/ વેપારીઓ સાવધાન! ડુપ્લિકેટ પનીરના વેચાણ પર ફૂડ સેફ્ટી વિભાગના કડક નિયમો જાહેર

ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 4 એપ્રિલ 2026 થી હોટલ-રેસ્ટોરન્ટના મેન્યુકાર્ડમાં Paneerની જગ્યાએ ‘એનાલોગ’ વપરાય છે કે નહીં તે લખવું ફરજિયાત કર્યું છે. જાણો ગ્રાહકોના હિતમાં લેવાયેલા આ કડક નિર્ણય વિશે.

Top Stories Gandhinagar Gujarat
Fake Paneer Gujarat Rules

Fake Paneer Gujarat Rules: જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરનું શાક ખાવાના શોખીન છો, તો તમારા માટે રાજ્ય સરકારે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવેથી હોટલ, રેસ્ટોરન્ટ કે ખાણી-પીણીના એકમો ગ્રાહકોને અસલી પનીરના નામે નકલી પનીર પધરાવી શકશે નહીં. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), ગુજરાત રાજ્ય દ્વારા 4 એપ્રિલ, ૨૦૨૬ના રોજ એક કડક આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં મેન્યુકાર્ડ અને નોટિસ બોર્ડ પર વાનગીમાં અસલી ‘પનીર’ વપરાય છે કે ‘એનાલોગ’ (Analogue) તે સ્પષ્ટપણે લખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

શું છે ‘એનાલોગ’ અને કેમ લેવાયો આ નિર્ણય?

તાજેતરમાં તંત્રના ધ્યાનમાં આવ્યું હતું કે બજારમાં દૂધમાંથી બનતા શુદ્ધ પનીરના બદલે વેજિટેબલ ફેટ (વનસ્પતિ ચરબી), સ્ટાર્ચ અને અન્ય સસ્તા વિકલ્પોમાંથી બનતા ‘એનાલોગ પનીર’ (Analogue / Vegetable-Fat Paneer Alternative) નો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક વેપારીઓ ગ્રાહકોને આ ‘એનાલોગ’ જ અસલી પનીર કહીને વેચી રહ્યા હતા, જે સીધી રીતે ગ્રાહકોને ભ્રમિત કરવાની પ્રવૃત્તિ છે. આ ગેરરીતિ અટકાવવા માટે સરકારે પારદર્શિતા લાવવા આ સપાટો બોલાવ્યો છે.

Fake Paneer Gujarat Rules

ગ્રાહકોને છેતરવા એ કાયદેસરનો ગુનો

ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, ૨૦૦૬ (FSSAI Act 2006) અંતર્ગત આ નિયમોનું પાલન કરવું તમામ ખાદ્ય વ્યવસાય સંચાલકો માટે બંધનકર્તા છે. આ નિયમો અનુસાર, જો વાનગીમાં ‘એનાલોગ’ નો ઉપયોગ થયો હોય, તો મેન્યુકાર્ડમાં ગ્રાહકોને તેની સ્પષ્ટ અને પૂર્વ જાણકારી આપવી પડશે. આ ઉપરાંત, વેજિટેબલ ફેટ કે સ્ટાર્ચમાંથી બનેલા ઉત્પાદનને ‘પનીર’ તરીકે રજૂ કરવું કે વેચવું એ કાયદેસર ગુનો છે. સાથોસાથ, લેબલિંગ નિયમો (2018) મુજબ, પેકેજિંગ પર ઘટકો અને ગુણવત્તાની સાચી માહિતી હોવી પણ અત્યંત આવશ્યક છે.

ફૂડ સેફ્ટી ઓફિસર્સનું મેગા ચેકિંગ

આદેશની ચુસ્ત અમલવારી માટે ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા રાજ્યભરમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં નિયમિત નિરીક્ષણ અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સંચાલકો સામે FSSAI એક્ટની કલમ 23, 24, 26, 27, 50, 51 અને 59 હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે બજારમાંથી પનીર ખરીદતી વખતે તેનું લેબલ ધ્યાનપૂર્વક વાંચે અને જો કોઈ શંકાસ્પદ કે ભ્રામક ઉત્પાદન જણાય તો તાત્કાલિક નજીકની ખાદ્ય સુરક્ષા કચેરીનો સંપર્ક કરે.


આ પણ વાંચો: અમદાવાદમાં AMCનો ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 495 સેમ્પલમાંથી 10 પનીર સબ-સ્ટાન્ડર્ડ

આ પણ વાંચો: ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી, 50 ક્વિન્ટલ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો

આ પણ વાંચો: વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે: ખાદ્યપાનની આ ચીજવસ્તુઓને કહી દો Bye Bye