AMCના ફૂડ વિભાગ દ્વારા તા. 1 ફેબ્રુઆરી 2026થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન શહેરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન દરમિયાન કુલ 495 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં દૂધ અને દૂધની બનાવટોના 110, બેકરી પ્રોડક્ટ્સના 9, મીઠાઈના 16, નમકીનના 32, અનાજ-લોટના 45, ખાદ્યતેલના 35 અને મસાલાના 42 નમૂનાઓનો સમાવેશ થાય છે.

1083 એકમોમાં AMCની તપાસ
આ સમયગાળા દરમિયાન 1083 ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી હતી અને 432 નોટિસો ફટકારવામાં આવી હતી. અંદાજે 823 કિલો/લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો તથા રૂ. 6,72,500નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. ઉપરાંત 277 TPC ટેસ્ટ પણ કરાયા હતા.
10 એકમોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર
ચાલુ માસમાં હોટેલ-રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલમાં 10 એકમોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. કેટલીક જગ્યાએ પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું, જ્યારે કેટલાંક નમૂનાઓમાં વેજીટેબલ ફેટનો ઉપયોગ નોંધાયો હતો. સંબંધિત એકમોને નોટિસ આપી રૂ. 7,000થી 20,000 સુધીની પેનલ્ટી વસૂલવામાં આવી છે.
ત્રણ ડેરી એકમોમાંથી કુલ 173 કિલો પનીરનો જથ્થો રોકવામાં આવ્યો
તપાસ દરમિયાન બહારથી પનીર ખરીદનાર એકમોની વિગતો સંબંધિત જિલ્લાના ફૂડ સેફ્ટી અધિકારીઓને મોકલવામાં આવી છે. ઉપરાંત શહેરમાં સ્થિત ત્રણ ડેરી એકમોમાંથી કુલ 173 કિલો પનીરનો જથ્થો રૂ. 52,880ની કિંમત સાથે સ્થગિત કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગે એનાલોગ પનીરના ઉપયોગ અંગે પણ ચેતવણી આપી છે. નિયમો મુજબ એનાલોગ પનીર માન્ય છે, પરંતુ તેને ‘પનીર’ તરીકે દર્શાવવું ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન ગણાશે. મેનુમાં સ્પષ્ટ ઉલ્લેખ ફરજિયાત છે, નહિતર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આગામી દિવસોમાં શહેરભરમાં મીઠાઈ, ઠંડાપીણા, આઈસ્ક્રીમ, દૂધ ઉત્પાદનો અને હોટેલ-રેસ્ટોરન્ટોની સઘન તપાસ ચાલુ રહેશે. લાયસન્સ વગર ધંધો કરતા એકમો સામે સીલ કરવાની કાર્યવાહી સુધીના પગલા લેવામાં આવશે.
