Mahesana News/ મહેસાણામાં ખેડૂતોની મોટી જીત, વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને મરાયા સીલ

Mehsanaમાં જમીન સંપાદન કેસમાં ખેડૂતોના હકમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 35 થી 40 લાખનું વળતર ન ચૂકવતા બહુમાળી ભવન સ્થિત નર્મદા યોજનાની કચેરી સીલ કરવામાં આવી છે.

Top Stories Gujarat Others

Mehsana Land Acquisition Case: વિકાસના કામો માટે ખેડૂતોની જમીન સંપાદિત કર્યા બાદ વળતર ચૂકવવામાં ધાંધિયા કરતી સરકારી કચેરીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે. જમીન સંપાદન કેસમાં ખેડૂતોના હકમાં મહેસાણા કોર્ટે એક ઐતિહાસિક અને આકરો નિર્ણય સંભળાવ્યો છે. લાખો રૂપિયાનું વળતર ન ચૂકવવા બદલ કોર્ટના આદેશથી ખાસ જમીન સંપાદન અધિકારી (નર્મદા યોજના) ની કચેરીને સીલ કરી દેવામાં આવી છે.

Mehsana : શું હતો સમગ્ર મામલો?

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાના મુખ્ય સિનિયર સિવિલ જજની કોર્ટમાં જમીન સંપાદનને લગતો એક જૂનો કેસ (LAR નં. 17/2015 થી 26/2015) ચાલી રહ્યો હતો. અરજદાર પી.એસ. પટેલ દ્વારા નાયબ કલેક્ટર અને નર્મદા યોજનાના ખાસ જમીન સંપાદન અધિકારી સામે વળતર મુદ્દે અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ખેડૂતોની જમીન તો લઈ લેવામાં આવી હતી, પરંતુ તેમને મળવાપાત્ર રકમ ચૂકવવામાં લાંબો સમય કાઢી નાખવામાં આવ્યો હતો.

35 થી 40 લાખનું વળતર ચૂકવવા આદેશ

આ કેસની ગંભીરતાને ધ્યાને લેતા કોર્ટે અરજદારના પક્ષમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે તંત્રને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં ખેડૂતોને રૂ. 35 થી 40 લાખનું વળતર ચૂકવવામાં નહીં આવે, તો આ રકમ વ્યાજ સાથે ચૂકવવી પડશે. કોર્ટના આ ન્યાયી નિર્ણયથી ખેડૂત પરિવારો અને અરજદારોમાં ખુશીનો માહોલ છે.

કચેરીનો સામાન જપ્ત

કોર્ટના આદેશની કડક અમલવારી કરતા મહેસાણા બહુમાળી ભવન ખાતે આવેલી કચેરી પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર સ્વપ્નિલ વાળંદના હસ્તક આવતી ‘ખાસ જમીન સંપાદન અધિકારી, નર્મદા યોજના’ ની કચેરીનું ફર્નિચર, કોમ્પ્યુટર અને સરકારી સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે અને સમગ્ર કચેરીના રૂમને સીલ મારી દેવામાં આવ્યું છે.


આ પણ વાંચો: મહેસાણા મહિલા કોંગ્રેસનો LPG ભાવ વધારા સામે વિરોધ

આ પણ વાંચો: મહેસાણાના ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ

આ પણ વાંચો: મહેસાણા મોઢેરા ચોકડી પાસે હિટ એન્ડ રન, યુવકનું મોત