Mahesana News: મહેસાણામાં મોઢેરા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. મોઢેરા ચોકડી પર આઇસર ગાડીએ રાહદારીને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. મહેસાણામાં મોઢેરા ચોકડી પર રાજકમલ પેટ્રોલ પમ્પ પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની છે.
આ અકસ્માતમાં બનાસકાંઠાના ભાંભરના યુવાનનું મોત થયું છે. યુવાન માતાની સારવાર માટે મહેસાણા આવ્યો હતો. આઇસર ચાલક યુવાનને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે પહોંચીને આગળની કાર્યવાહી કરી છે. ભરબજારમાં આ રીતે મારવામાં આવેલી ટક્કરના લીધે આખા વિસ્તારમાં હોહા મચી ગઈ છે. તેની સાથે મહેસાણામાં બેફામ ચાલતા ભારે વાહનો પર અંકુશ લાદવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેમને શહેરમાં પ્રવેશવા જ દેવામાં ન આવે તેવી માંગ પણ ઉઠી છે. દર વખતે કોઈને કોઈ ભારે વાહન કોઈનો જીવ લે જ છે.
અકસ્માતના પગલે તરત જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. 108ને પણ સ્થાનિકોએ બોલાવી હતી અને યુવકનો જીવ બચાવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ આ અકસ્માત જ એટલો પ્રાણઘાતક હતો કે યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ થયુ હતુ. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આઇસરચાલકને પકડવા માટે મોઢેરા ચોકડીના રોડ પર સીસીટીવી ફૂટેજ શોધવાના શરૂ કર્યા છે. આમ પોલીસે અકસ્માત ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
મૃતકના મોતના પગલે તેના કુટુંબ પર આભ તૂટી પડ્યુ છે. કુટુંબે તેના ઘરનો એકમાત્ર કમાનાર ગુમાવ્યો છે. તે યુવાનની માતાની સારવાર પણ હવે કોરાણે રહી ગઈ છે. યુવકની માતાના રોઈ-રોઈને કરાબ હાલ થઈ ગયા છે. તેના ગામમાં સમાચાર પહોંચતા તેના ગામના લોકો મહેસાણા આવવા રવાના થઈ ગયા હતા અને યુવકના કુટુંબીજનો પણ આ આઘાતજનક સમાચારના પગલે આવી ગયા હતા. આખુ કુટુંબ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.
આ પણ વાંચોઃ મહેસાણાના વિસનગર-ઊંઝા હાઈવે પર અકસ્માતમાં બાળકનું મોત, 7 લોકો ઘાયલ
આ પણ વાંચોઃ મહેસાણાના ખેરાલુ સતલાસણા હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
આ પણ વાંચોઃ મહેસાણા રાધનપુર હાઈવે પર મધરાત્રે અકસ્માત, ટેન્કરે રીક્ષાને ટક્કર મારતાં દંપતીનું સારવાર દરમ્યાન મોત
