Gujarat UCC Bill Cabinet Approval: ગુજરાતમાં સામાજિક સમાનતા અને કાયદાકીય એકરૂપતા લાવવા માટે રાજ્ય સરકાર ‘ઉત્તરાખંડ પેટર્ન’ પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા તરફ મક્કમતાથી આગળ વધી રહી છે. તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં UCC બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ હક અને લિવ-ઇન રિલેશનશિપને લઈને અત્યંત ક્રાંતિકારી જોગવાઈઓ કરવામાં આવી છે.

UCCના ડ્રાફ્ટમાં લિવ-ઇન રિલેશનશિપને લઈને કડક નિયમો
UCCના ડ્રાફ્ટમાં લિવ-ઇન રિલેશનશિપને લઈને અત્યંત કડક અને સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે લિવ-ઇનમાં રહેતા કપલે રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે અને જો એક મહિનામાં નોંધણી નહીં કરવામાં આવે તો ત્રણ મહિનાની જેલ અથવા ₹10,000 સુધીના દંડની જોગવાઈ છે. આ કાયદા હેઠળ લિવ-ઇન સંબંધમાં જન્મેલું બાળક દંપતીનું ‘કાયદેસર’ સંતાન ગણાશે અને તેને વારસામાં તમામ હકો પ્રાપ્ત થશે. આ ઉપરાંત, સ્ત્રીઓના અધિકારોનું રક્ષણ કરતા નિયમ મુજબ જો કોઈ સ્ત્રીને તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા ત્યજી દેવામાં આવે, તો તે કોર્ટ મારફતે ભરણપોષણ મેળવવા માટે હકદાર ઠરશે. સુરક્ષાના પાસાને ધ્યાને રાખતા સગીરો સાથે લિવ-ઇનમાં રહેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનું ઉલ્લંઘન કરનાર સામે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી થશે, તેમજ જો કોઈ પાર્ટનરની ઉંમર 21 વર્ષથી ઓછી હશે તો આ અંગે તેમના માતા-પિતાને જાણ કરવી ફરજિયાત રહેશે.
નોંધણી વિના દંડની જોગવાઈ
UCC (સમાન નાગરિક સંહિતા) હેઠળ લગ્ન અને છૂટાછેડાને લઈને મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે, જે મુજબ હવે રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જો કોઈ લગ્નની નોંધણી કરાવવામાં ચૂક કરશે તો તેને દંડ થઈ શકે છે, જોકે નોંધણી વગર પણ લગ્ન કાયદેસર રીતે અમાન્ય ગણવામાં આવશે નહીં. લગ્ન જીવનમાં સ્થિરતા લાવવાના હેતુથી એવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે કે લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં, જોકે ત્યારબાદ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની પ્રક્રિયાને અગાઉ કરતા વધુ સરળ બનાવવામાં આવી છે. વધુમાં, લગ્ન માટેની વય મર્યાદા પણ સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં પુરુષની ઉંમર ૨૧ વર્ષ અને મહિલાની ઉંમર 18 વર્ષ હોવી અનિવાર્ય છે.

વારસાઈ અને મિલકત હક
વારસાના મુદ્દે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવો દૂર કરવામાં આવ્યા છે. હવે તમામ સમુદાયો માટે સમાન નિયમો લાગુ પડશે. મિલકતની વહેંચણી અને વસિયત બનાવવાની પ્રક્રિયાને વધુ ન્યાયી બનાવી દેવામાં આવી છે જેથી કૌટુંબિક વિવાદો ઘટે.
કોને મળશે છૂટ?
આ સંહિતાની કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ (ST) અને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થાય, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ અને સંસ્કૃતિ જળવાઈ રહે.
આ પણ વાંચો: કેબિનેટ બેઠકમાં વીમા ક્ષેત્ર માટે મોટા ફેરફારો, FDI 100% સુધી વધારવાનો પ્રસ્તાવ
આ પણ વાંચો: ગાંધીનગરમાં આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ , તહેવારી આયોજન પર થશે ચર્ચા
આ પણ વાંચો: કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
