Amreli Jamnagar Unseasonal Rain: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર કમોસમી વરસાદે (Unseasonal Rain) દસ્તક આપી છે. અમરેલી જિલ્લાના વડિયા અને બગસરા પંથકમાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. બગસરા શહેરમાં તો કરા સાથે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું.
Amreli જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી
અમરેલીના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના સમાચાર મળી રહ્યા છે, જેમાં વડિયા પંથકના વડિયા શહેર સહિત મોરવાડા અને બાંટવા દેવળી જેવા આસપાસના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, બગસરા શહેરમાં કરા સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને સુડાવડ સહિતના આજુબાજુના ગામોમાં પણ કમોસમી ઝાપટાં પડ્યા છે. માવઠાના આ વાતાવરણને કારણે સ્થાનિક ખેડૂતોમાં ઊભા પાકને લઈને ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.
Jamnagarમાં પણ કરા સાથે વરસાદ
માત્ર અમરેલી જ નહીં, જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પણ વાતાવરણ પલટાયું હતું. લાલપુરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડતા લોકોમાં આશ્ચર્ય અને ખેડૂતોમાં ભય જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં પડી રહેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ તેની માઠી અસર ખેતી પર પડવાની ભીતિ છે.

ખેડૂતોની ચિંતામાં વધારો
હાલમાં ખેતરોમાં રવિ પાક તૈયાર થવાના આરે છે અથવા લણણીની કામગીરી ચાલુ છે. આવા સમયે કમોસમી વરસાદ (માવઠું) પડતા ઘઉં, જીરું અને ચણા જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
હજુ 3 દિવસની આફત!
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ પલટાવાની શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat Rain Alert: આજે ગુજરાતનાં 9 જિલ્લાઓમાં પડશે મુશળધાર વરસાદ, બે દિવસ બાદ ભૂકકા બોલાવશે!
આ પણ વાંચો: આગામી ત્રણ દિવસ ભૂકા બોલાવશે મેઘરાજા, જાણો કયા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ
આ પણ વાંચો: અમરેલી જીલ્લામા મોડી રાત્રે વરસાદ , લોકોને બફારામાંથી મળી રાહત
