Banaskantha News/  અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

બનાસ ડેરી દ્વારા અમલમાં મૂકાયેલ સહકાર મોડેલ આજે દેશ-વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે

Gujarat Others
બનાસની માતા-બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે

Banaskantha News : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદહસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઇસક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યઓ અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી.

આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બનાસ ડેરી દ્વારા અમલમાં મૂકાયેલ સહકાર મોડેલ આજે દેશ-વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઈએ જોયેલું સ્વપ્ન બનાસના લોકોએ પૂર્ણ કર્યું છે. સ્વર્ગીય ગલબાભાઈએ પશુપાલકોના હિતમાં વર્ષ 1986માં ફ્કત આઠ ગામની દૂધ મંડળીઓ થકી દૂધ મેળવવાની શરૂઆત કરી હતી તે સંસ્થા આજે 24હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. જે યાત્રા ફક્ત 400રૂપિયાથી શરૂ કરીને આજે 24 હજાર કરોડના વેપાર સુધી પહોંચી છે તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે.

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વર્ષો પહેલા બૃહદ બનાસકાંઠા જિલ્લો સૂકો ભઠ્ઠ વિસ્તાર ગણાતો હતો. આ જિલ્લામાં ફક્ત ચોમાસુ આધારિત એક જ ખેતી થતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરીને સુજલામ સુફલામ્ અને નર્મદા કેનાલ આ વિસ્તારને આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે. આજે અહીં વર્ષમાં ત્રણ ખેતી પાક થઈ શકે છે. બનાસકાંઠામાં જળ સંચયનું શ્રેષ્ઠ કામ થયું છે. બનાસની માતા-બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે.

 અમિતભાઈ શાહે જણાવ્યું કે, સહકાર મંત્રાલય થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કામ થઈ રહ્યું છે. ડેરીને ચક્રીય વ્યવસ્થા બનાવાશે જેનો સીધો ફાયદો પશુપાલકોને મળી રહેશે તથા આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20ટકાનો વધારો થશે. સરકારની વિવિધ યોજનાઓ થકી શ્વેતક્રાંતિ 2.0 ને સફળ બનાવવા અને 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌકોઈ સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.

આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથે સાથે અનેક ક્ષેત્રમાં સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે. આજે ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આગામી જાન્યુઆરી 2026માં દેશની 250 જેટલી ડેરીના ચેરમેન અને એમ.ડી બનાસ મોડલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું.

અમિત શાહે બંધારણના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરના સ્મૃતિદીન નિમિત્તે તેમને યાદ કરીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના સહકાર અને ખેડૂતોના હિત માટે લીધેલા પગલાંની સરાહના કરી હતી.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ સહકાર મંત્રાલય ઉભુ કરીને ગામડાના વિકાસ માટે કામ કર્યું છે. ગ્રામીણ વિસ્તારના નાના માણસનું જીવન ધોરણ બદલાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સહકાર થી સમૃદ્ધિ હેઠળ કામગીરી થઈ રહી છે. સરકારની યોજનાઓ થકી 24 કલાક વીજળી અને પાણી થકી પશુપાલકોને ઘર આંગણે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં આજે સહકારી મંડળીઓનો વ્યાપ વધી રહ્યો છે.

ખેડૂતો વિશ્વ સ્તરે પોતાની પ્રોડક્ટ વેચી શકે તે માટે ભારત સરકારે સંસ્થા સ્થાપી છે જેનું ફક્ત 1વર્ષમાં 4283 કરોડનું ટર્નઓવર થયું છે. ખેડૂતોના હિત માટે સરકારે ભારત ઓર્ગેનિક સંસ્થાની પણ શરૂઆત કરી છે. આજે સહકાર ક્ષેત્ર ટેક્સીના ડ્રાઇવરો સુધી પહોંચીને તેમના માટે પણ સહકારી કંપની શરૂ થઈ છે. બનાસકાંઠામાં આગામી સમયમાં અનેક ધંધાઓ થકી પશુપાલકોની આવક બમણી કરવા માટે કામ આગળ વધી રહ્યું છે.

આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળી અને જીતુ વાઘાણીએ બનાસ મોડેલના વિકાસગાથા વિશે વાત કરી હતી. આજે સહકાર મંત્રાલય હસ્તકની સંસદીય પરામર્શ સમિતિએ બનાસ મોડેલની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ,  કૃષ્ણપાલ ગુર્જર, સંસદીય પરામર્શ સમિતિના સભ્યઓ, રાજ્યના મંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ,  પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, સહકાર સચિવ આશિષ ભુતાની, સુઝુકી ઈન્ડિયાના એમ.ડી અને ડિરેક્ટર, અમૂલના ચેરમેન અશોક ચૌધરી સહિત સહકારી ડિરેક્ટરઓ અને બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે થયેલ લોકાર્પણ અને ખાતમુર્હુત

સણાદર ખાતે દૂધ પાવડર પ્લાન્ટનું ખાતમુર્હૂત

બનાસ ડેરીએ સણાદર ખાતે રૂ. 440 કરોડના ખર્ચે 150 TPD ક્ષમતાનો અદ્યતન મિલ્ક પાઉડર અને બેબી ફૂડ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો છે. આ પ્લાન્ટ દ્વારા વધારાના દૂધનું યોગ્ય સંચાલન કરીને ડેરી વ્હાઇટનર, SMP, WMP તેમજ બેબી ફૂડ જેવા ઉચ્ચ મુલ્યવાળા ઉત્પાદનો મળી રહેશે.

ઓટોમેટિક પનીર પ્લાન્ટનું લોકાર્પણ

બનાસ ડેરી દ્વારા 20 MTPD ક્ષમતા ધરાવતા આધુનિક અને સંપૂર્ણ ઓટોમેટેડ પનીર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. જે અગાઉની મેન્યુઅલ પ્રક્રિયાની સરખામણીએ એક મોટી ટેક્નોલોજીકલ પદ્ધતિ છે. રૂ.35 કરોડના મૂડી રોકાણથી બનાવાયેલા આ પ્લાન્ટમાં દરરોજ 1 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને દૂધમાં રહેલા હાઈ વેલ્યુ ફેટ અને SNF (Solid Not Fat)ને ઉચ્ચ ગુણવત્તાવાળા પૌષ્ટિક પનીરમાં પરિવર્તિત કરવામાં આવે છે.

આગથળા સ્થિત બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ

આગથળા ખાતે બનાસ ડેરી અને સુઝુકી ઈન્ડિયાએ સાથે મળીને રૂ. 5867 લાખના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપ્યો છે. આ પ્લાન્ટ પશુઓના ગોબર થકી સી.એન.જી બનાવે છે. આ CNG પ્લાન્ટ માટે ખેડૂતો પાસેથી પ્રતિ કિલો રૂ.1ના દરે પશુપાલકો પાસેથી પશુઓનું ગોબર ખરીદવામાં આવે છે. આ એક ઉત્તમ ચક્રીય અર્થવ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી 5.5 કરોડ કિલો ગોબર ખરીદવામાં આવ્યું છે અને દરરોજ 1લાખ કિલો ગોબર પ્રોસેસ થઈ 1900 કિલો બાયો–CNGનું ઉત્પાદન કરવામાં આવે છે. આ સાથે ગોબરની સ્લરીને પ્રોસેસ કરીને ‘ભૂમિ અમૃત’ નામે જૈવિક ખાતર બનાવવામાં આવે છે, જે જમીનની ફળદ્રુપતા વધારી ખેડૂતોની આવકમાં વધારો કરે છે.

આ પ્રોજેક્ટ દર વર્ષે 6750 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી પર્યાવરણ રક્ષણમાં પણ યોગદાન આપે છે. ભવિષ્યમાં આવા કુલ 25 પ્લાન્ટ બનાસકાંઠામાં સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે.

ચીઝ પ્રોસેસિંગ પ્રોટીન પાવડર પ્લાન્ટનું લોકાર્પણ

બનાસ ડેરીએ રૂ. 45 કરોડના ખર્ચે 6 લાખ લિટરની ક્ષમતાવાળો ચીઝ પ્રોસેસિંગ પ્રોટીન પાવડર પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટમાં ચીઝ ઉત્પાદન સાથે સાથે દૂધમાં રહેલા ઉચ્ચ પોષક તત્વોને પ્રોટીન પાવડર સ્વરૂપે રૂપાંતરિત કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસ ડેરીમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ યથાવત, દાંતા બેઠક પર ભવ્ય જીત સહિત 15 બેઠકો બિનહરીફ

આ પણ વાંચો: બનાસ ડેરીને લઈ રાજકારણ ગરમાયું, બિનહરીફ ચૂંટણીના પ્રયાસો

આ પણ વાંચો: શંકર ચૌધરીની બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતા એવોર્ડ મળ્યો