Ahemdabad News: ભારતમાં વાહનોની સંખ્યા અને રસ્તાઓ પર ટ્રાફિક સતત વધી રહ્યો છે, જેની સાથે માર્ગ અકસ્માતોનો ગ્રાફ પણ ચિંતાજનક રીતે ઉપર જઈ રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા એક રોડ સેફ્ટી (Road Safety) રિપોર્ટમાં એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે જે દરેક વાહન ચાલકે જાણવો જરૂરી છે. રિપોર્ટ અનુસાર, ચોક્કસ રાત્રિના એક કલાક દરમિયાન અકસ્માત થવાનું જોખમ સૌથી વધુ રહે છે, ભલે તે સમયે રસ્તાઓ સાવ ખાલી કેમ ન હોય!
રોડ સેફ્ટી (Road Safety)ના એક રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો: ડ્રાઈવિંગ માટે રાતનો સમય ખતરનાક
અહેવાલ મુજબ, ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવા માટે રાત્રે 9 થી 10 વાગ્યાનો સમય સૌથી વધુ ખતરનાક સાબિત થયો છે. આ સમયે ડ્રાઇવરોનો સરેરાશ ડ્રાઇવિંગ સ્કોર ઘટીને 86 થઈ જાય છે, જે આખા દિવસમાં સૌથી ઓછો છે. તેનાથી વિપરીત, વાહન ચલાવવા માટે બપોરે 1 થી 2 વાગ્યાનો સમય સૌથી સુરક્ષિત માનવામાં આવ્યો છે, જ્યાં ડ્રાઇવરોનો સરેરાશ સ્કોર સૌથી વધુ 93 નોંધાયો છે.
રાત્રે રસ્તા ખાલી હોવા છતાં કેમ વધે છે અકસ્માતો?
સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે ટ્રાફિક ઓછો હોય ત્યારે અકસ્માત ન થાય, પરંતુ નિષ્ણાતોના મતે રાત્રિના સમયે આ પરિબળો જોખમ વધારે છે:
થાક અને ઊંઘ (ઝોકું આવવું): દિવસભરના કે લાંબી મુસાફરીના થાકને કારણે રાત્રે શરીર તૂટી જાય છે અને ડ્રાઇવરને ઝોકું આવી જતાં ધ્યાન હટી જાય છે.
અતિશય ઝડપ (ઓવરસ્પીડિંગ): ખાલી રસ્તા જોઈને લોકો વાહનની સ્પીડ મર્યાદા કરતા વધારી દે છે.
નબળી વિઝિબિલિટી: રાત્રે રસ્તાઓ પર લાઈટો ઓછી હોવાથી અને સામેથી આવતા ભારે વાહનો (ટ્રક વગેરે)ના કારણે જોખમનો સમયસર અંદાજ આવતો નથી.
ડ્રાઇવિંગમાં મહિલા કે પુરુષ? કોણ છે વધુ બેસ્ટ?
આ રિપોર્ટે ડ્રાઇવિંગને લઈને સમાજમાં પ્રવર્તતી જૂની માન્યતાઓને પણ તોડી પાડી છે:
સરખો ડ્રાઇવિંગ સ્કોર: રિપોર્ટમાં મહિલા અને પુરુષ ડ્રાઇવરોના સ્કોરમાં કોઈ મોટો તફાવત નથી. મહિલાઓનો સ્કોર 92.86 અને પુરુષોનો સ્કોર 92.43 નોંધાયો છે. એટલે કે અકસ્માત રોકવામાં ડ્રાઇવરની જાતિ (લિંગ) નહીં, પણ તેનું ડ્રાઇવિંગ વર્તન જ મહત્વનું છે.
ભારતીય ડ્રાઇવરોની 2 સૌથી ખરાબ આદતો
1. અચાનક બ્રેક મારવી: આ બાબતમાં ભારતીયોનો સ્કોર સૌથી નબળો એટલે કે માત્ર 87 છે.
2. અચાનક સ્પીડ વધારવી: અચાનક એક્સિલેટર દબાવવાની આ આદતને 91 નો સ્કોર મળ્યો છે.
ભારતમાં માર્ગ અકસ્માતોના આંકડા
80% અકસ્માતો પાછળ માનવીય ભૂલ: ઓવરસ્પીડિંગ અને ધ્યાન ભટકવા જેવા માનવીય વર્તનને કારણે જ મોટાભાગના રોડ અકસ્માત (Road Accident) થાય છે.
વૈશ્વિક સ્તરે મોટો હિસ્સો: ભારતમાં દર વર્ષે આશરે 1.73 લાખ લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે, જે દુનિયાના કુલ રોડ અકસ્માતના મોતના 11% છે. માર્ગ અકસ્માતોને કારણે દેશની અર્થવ્યવસ્થાને 3 થી 5 ટકા સુધીનું આર્થિક નુકસાન થાય છે. જીવ ગુમાવનારાઓમાંથી 1/૩ લોકો 18 થી 45 વર્ષની વયના હોય છે. જેમાં સૌથી વધુ 44% ટુ-વ્હીલર સવારો અને 19% રાહદારીઓ હોય છે.
જો તમારે રાત્રે લાંબા અંતરની મુસાફરી કરવાની થાય, તો સુરક્ષિત રહેવા આટલું ચોક્કસ કરો:
નિયમિત બ્રેક લો: જો લાંબી મુસાફરી કરવાની થાય તો સતત ડ્રાઇવિંગ કરવાને બદલે વચ્ચે-વચ્ચે વિરામ લો.
આરામ જરૂરી: મુસાફરી માટે પૂરતી ઊંઘ લીધા પછી જ નીકળો. જો સહેજ પણ ઊંઘ જેવું લાગે તો આંખો પર પાણી નાખો અથવા મો ઘોવો. ડો વધારે ઉઘ આવે તો વાહન બાજુ પર થોભાવી આરામ કરો.
સ્પીડ પર કંટ્રોલ: અતિશય ઝડપથી બચો અને હેડલાઇટ્સનો યોગ્ય ઉપયોગ કરો. જ્યા જરૂર ના હોય ત્યાં વાહનની ગતિ ધીમી રાખો.
ટ્રાફિક નિયમ (Traffic Rules)નું પાલન: સીટ બેલ્ટ અને હેલ્મેટ જેવા સુરક્ષા નિયમો ક્યારેય ન ચૂકો. તમારી એક નાની સાવચેતી કિંમતી જીવ બચાવી શકે છે!
આ પણ વાંચો: સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલ બેઠક: અકસ્માત ઘટાડવા કલેક્ટરના મહત્વના નિર્દેશ
આ પણ વાંચો :રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસની મહત્વપૂર્ણ પહેલ: ‘Mapmyindia’ સાથે MoU…
