Tech News/ 12 વર્ષની બાળકી સાથે બળાત્કાર કેસમાં સ્નેપચેટ સામે અમેરિકામાં કેસ; શું સોશિયલ મીડિયા સુરક્ષિત છે?

સ્નેપચેટના (Snapchat) ફીચર્સના કારણે 12 વર્ષની બાળકી બળાત્કારનો શિકાર બની હોવાનો આરોપ મૂકતા અમેરિકામાં કેસ દાખલ થયો છે. 25 કરોડથી વધુ ભારતીય યુઝર્સ ધરાવતી આ એપની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જાણો વિગત.

Trending Tech & Auto
Snapchat

Snapchat Lawsuit Updates: સોશિયલ મીડિયા એપ ‘સ્નેપચેટ’ ની મૂળ કંપની ‘સ્નેપ’ મોટી કાનૂની મુસીબતમાં મુકાઈ છે. અમેરિકાના મિઝોરીમાં કંપની વિરુદ્ધ એક ગંભીર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે સ્નેપચેટના ફીચર્સના કારણે 12 વર્ષની એક બાળકી બળાત્કારનો શિકાર બની. આ ઘટનાએ વિશ્વભરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે.

Snapchat

કેવી રીતે બન્યું આ કરુણ ઘટનાનું કારણ?

ફરિયાદ મુજબ, 25 વર્ષના આરોપી ગેબ્રિયલ જોએલ વેલેન્ટાઇન-રિયોસે સ્નેપચેટના ‘ક્વિક એડ’ (Quick Add) અને ‘સ્નેપ મેપ’ (Snap Map) ફીચર્સનો ઉપયોગ કરીને બાળકીને પોતાનો શિકાર બનાવી.

આરોપ છે કે સ્નેપચેટના ક્વિક એડ ફીચરે આરોપીને બાળકી અને તેના વિસ્તારની અન્ય સગીર છોકરીઓ સાથે જોડાવાનું સૂચન કર્યું.

એપ્લિકેશને આરોપીને એક મિલનસાર છોકરા તરીકે દર્શાવ્યો હતો. કંપની સગીરોને અજાણ્યા યુઝર્સ સાથે જોડાવાના જોખમો અંગે ચેતવણી આપવામાં નિષ્ફળ રહી હોવાનો મુખ્ય આક્ષેપ છે.

Snapchat

સોશિયલ મીડિયા કંપનીઓ સામે હજારો મુકદ્દમા

સ્નેપચેટ(Snapchat) એકમાત્ર પ્લેટફોર્મ નથી. મેટા (ફેસબુક-ઇન્સ્ટાગ્રામ), ટિકટોક અને યુટ્યુબ સહિતના અનેક પ્લેટફોર્મ અત્યારે ગંભીર મુકદ્દમાનો સામનો કરી રહ્યા છે. કેલિફોર્નિયાની અદાલતોમાં સોશિયલ મીડિયાના કારણે બાળકોમાં વધતી જતી લત અને અસુરક્ષાને લગતા 3300 થી વધુ કેસ પેન્ડિંગ છે. રિપોર્ટ્સ મુજબ, ડાર્ક વેબ પર એક પુસ્તક પણ મળ્યું હતું, જેમાં સ્નેપચેટના ફીચર્સનો ઉપયોગ કરીને યુવા યુઝર્સને નિશાન બનાવવાની રીતો સમજાવવામાં આવી હતી.

Snapchat

Snapchat ભારત માટે મોટો ખતરો?

સ્નેપચેટ (Snapchat) માટે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર છે. ભારતમાં સ્નેપચેટના 25 કરોડથી વધુ એક્ટિવ માસિક યુઝર્સ છે, જે કંપનીના વૈશ્વિક યુઝર બેઝના લગભગ 36% જેટલા છે. જ્યારે 13 થી 24 વર્ષની વયના 90% યુવાઓ આ એપનો ઉપયોગ કરે છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ ભારતીય વાલીઓ અને સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.


આ પણ વાંચો:સ્નેપચેટમાં 1,000 કર્મચારીઓની છટણી, ₹4,700 કરોડ બચાવવા કંપનીનો માસ્ટર પ્લાન

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટન્ટ્સ ફીચર શું છે? સ્નેપચેટ જેવી નવી પ્રાઇવેટ ફોટો શેરિંગ સુવિધા કેવી રીતે ઉપયોગ કરવી

આ પણ વાંચો:WhatsApp પર કોઈએ બ્લોક કર્યા છે કે નહીં? ઓનલાઈન સ્ટેટસ જોયા વિના આ ટ્રિકથી જાણો