ખેતી/ વિરપુરમાં યુવા ખેડૂતે લાલ ભીંડાની ખેતી કરી

લાલ ભીંડાની ખેતી

Gujarat

આજના સમયમાં ખેતીમાં આમૂલ્ય પરિવર્તન આવી રહ્યું છે.હવે ખેડૂતો ખેતી માટે નવતર પ્રયોગ કરીને ખેતીની ઉપજમાંથી લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. ખેડૂતો ખેતીવાડીમાં  નવી પદ્ધતિઓ અપનાવીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમાં પણ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો હવે લાલ ભીંડાની ખેતી તરફ વળ્યા છે. કારણ કે, તેની ખેતી ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહી છે. આવા જ એક મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના 35 વર્ષીય યુવા ખેડૂત જગદિશભાઈ વાળંદે લાલ ભીંડાની ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

વિરપુર ખાતે ગવાર, ચોળી રીંગણ વગેરે શાકભાજીની ખેતીની સાથે યુવા ખેડૂત જગદિશભાઈ વાળંદે લાલ ભીંડાની ખેતી કરી છે. આ ભીંડાનું બિયારણ લખનઉ સ્થિત તેમના મિત્ર પાસેથી મેળવ્યું હતું. ખેતીમાં નવતર પ્રયોગના ભાગરુપે એક વીઘા જેટલી જમીનમાં ખેડૂત જગદિશભાઈએ લાલ ભીંડાની ખેતી કરી જેમાં પ્રારંભિક સફળતા મળતાં તેઓ ખૂબ ઉત્સાહિત છે.

હાલ ભીંડા વીણવાની શરુઆત થઈ  છે. એકાંતરે 40થી 50 કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો આવે છે. ઉપરાંત આ ભીંડામાં લીલા ભીંડાની જેમ કાંટાવાળી રુવાટી ન હોવાથી તોડીને વીણવામાં પણ સરળતા રહે છે. કપાસની જેમ ઝડપી ફૂટ અને ડાળીઓની સંખ્યા પણ ઘણી બધી હોય છે જેથી ઉત્પાદન સારું મળી રહે છે. આ ઉપરાંત આ પાકમાં ચુસીયા, જીવાત અને ઇયળનો ઉપદ્રવ ખૂબ ઓછો થાય છે. તેથી જંતુનાશક દવાનો ખર્ચ પણ ઘણો ઓછો થાય છે. હાલના સમયમાં ખેતી પાકોમાં પરંપરાગત ખેતી છોડીને બાગાયત અથવા શાકભાજીની ખેતીમાં જો આગળ વધવામાં આવે તો સારું વળતર મળી શકે છે.

જગદીશભાઈ જણાવે છે કે, તેઓ તમામ શાકભાજી તથા મગની ખેતી દેશી ગાયના ગૌ-મુત્ર અને છાણિયા ખાતરના ઉપયોગથી કરે છે. તેથી બજાર કરતા તેમના શાકભાજીમાં પ્રતિ કિલો 20 રૂપિયાથી વધુની રકમ મળે છે અને પ્રાકૃતિક ખેતીથી પકવેલા ધાન્ય અને શાકભાજી ઉપયોગમાં લેતા જાગૃત લોકો ઘેર બેઠા તેમના શાકભાજી લઈ જાય છે. તેથી બહાર વેચવા જવાની જરૂર પડતી નથી. શાકભાજીની આ સફળ ખેતી કરીને તેઓ રોજનો સારો નફો મેળવી રહ્યા છે. આમ જિલ્લાનો આ યુવા ખેડૂત લાલ ભીંડાની સ્વાસ્થયપ્રદ ઓર્ગેનિક ખેતી કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી ઉદાહરણરૂપ બન્યો છે.