Jamnagar News: રાજ્યમાં મીઠા ના ધંધાર્થીઓ ને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન આજ સવાર થી શરૂ કરવામાં આવ્યું છે. તેમાં જામનગરના મીઠા ના એક વ્યવસાયકાર નો સમાવેશ થાય છે. અધિકારીઓ ની અલગ-અલગ રપ ટીમો દેવ સોલ્ટના 15 સ્થળો તથા મુખ્ય ફેક્ટરી પર સર્ચ કામગીરી કરી રહી છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં મીઠા ઉત્પાદકો, ધંધાર્થીઓ ને ત્યાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જામનગરમાં મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ સોલ્ટ પ્રા.લિ.નો અલગ-અલગ મિલકતોમાં પણ સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમના મીઠા ઉત્પાદન યુનિટ માળિયામાં છે. ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ પેઢીના સંચાલકો ડી.એસ. ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલા – જામનગર મા પણ સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે મળતા વિસ્તૃત અહેવાલો મુજબ ગુજરાતમાં જાણીતા મીઠાના વેપારી દેવ સોલ્ટને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે રેડ કરી છે અને અમદાવાદ, જામનગર, માળિયામાં ડી.એસ. ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિતના 16 વેપારીને ત્યાં રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ઉપર પણ તવાઈ બોલાવાઈ છે. માર્ચ એન્ડીંગ પહેલા બાતમીના આધારે મીઠાના વેપારીઓ પર રેડ પાડવામાં આવી છે. રાજકોટ-અમદાવાદની ટીમ દ્વારા તપાસ આજે (7 ફેબ્રુઆરી) વહેલી સવારથી જ અમદાવાદ, જામનગર, મોરબી ના માળિયા માં તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા એસજી હાઈવે પર આવેલી દેવ ગ્રુપ ઓફ કંપની માં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં આવેલી દેવ સોલ્ટની મુખ્ય ફેક્ટરી પર પણ ઈન્કમટેક્સ વિભાગ ત્રાટક્યુ છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. દેવ સોલ્ટ ગ્રુપની લોકેશન પર આજે વહેલી સવારથી ઈન્કમ ટેક્સ વિભાગે રપ અલગ અલગ ટીમ બનાવીને આ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં લગભગ ૧૦૦ જેટલા અધિકારી અને કર્મચારી જોડાયા છે. ઈન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા માળિયા મિયાણાના હરિપર નજીક આવેલી દેવ સોલ્ટની મુખ્ય ઉત્પાદન ફેક્ટરી ઉપરાંત જામનગર અને અમદાવાદમાં આવેલી ઓફિસોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૂળ જામનગર અને અમદાવાદમાં ઓફિસ ધરાવતા આ ગ્રુપ સામે આવકવેરા વિભાગે એક સાથે ત્રણેય સ્થળે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા સોલ્ટ ગ્રુપ ઉપર દરોડા પૂર્વે રાત્રિથી જ ગુપ્ત રાહે કાર્યવાહી કરવામાં આવી હતી. આયકર વિભાગના અધિકારીઓ ને પહેલા રાજકોટ પછી ચોટીલા આસપાસ રોકાણ કરવામાં આવ્યું હતું અને સવારે ૪ કલાકે દેવ સોલ્ટ ગ્રુપ ઉપર તપાસ કરવા હુકમ થયો હતો તેમ સૂત્રો જણાવે છે.
@સાગર સંઘાણી
આ પણ વાંચો:જામનગરના ગોરધનપર ગામમાં 10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત
આ પણ વાંચો:જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિશાળ મેદાનમાં ઓક્સિજન પાર્કના નિર્માણનું આયોજન
આ પણ વાંચો:જામનગરની ટ્રાફિક શાખા અને RTO કચેરી દ્વારા અકસ્માતો ઘટાડવા મેગા ડ્રાઇવ
