જોહનિસબર્ગ,
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની ચોથી વન-ડે જોહનિસબર્ગના વાન્ડર્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ચોથી વન-ડે મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ત્યારે ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવી પ્રથમવાર સીરીઝ પોતાના નામે કરવાના ઈરાદાથી મેદાને ઉતરશે. જયારે સીરીઝમાં પહેલેથી જ ૦-૩થી પાછળ રહેલી આફ્રિકન ટીમ માટે આ મેચ “કરો યા મરો” સમાન જણાઈ રહી છે. ચોથી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા આ મેચ જીતી સીરીઝમાં વિજયનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. નોધનીય છે કે, ભારત ૬ મેચની શ્રેણીમાં ૩-૦થી આગળ છે.
ચોથી વન-ડે મેચમાં ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મિડલ ઓર્ડર બેટ્સમેન કેદાર જાધવની જગ્યાએ શ્રેયસ ઐયરને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે દક્ષિણ આફ્રિકામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. આફ્રિકન ટીમમાં ખાયા જોન્ડોની જગ્યાએ એ બી ડિવિલિયર્સ અને સ્પિનર ઇમરાન તાહિરની જગ્યાએ મોર્ને મોર્કલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચોથી વન-ડેમાં આફ્રિકન ટીમ પિંક ડ્રેસમાં જોવા મળશે અને પિંક ડ્રેસમાં આજ સુધી રેકોર્ડ એક પણ મેચ હારી નથી. ચોથી વન-ડે મેચ પહેલા દક્ષિણ આફિકાની ટીમે અગાઊથી જ પિન્ક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ. તેમજ આ ફોટોને ટીમે તેના ટ્વિટર એકાઊન્ટ શેર કર્યા હતા જેમાં ડેવિડ મિલર, એ બી ડીવિલિયર્સ ટીમના બઘા ખેલાડીઓ પિન્ક ડ્રેસિંગમાં જોવા મળ્યા હતા. આફ્રિકન ટીમ દ્વારા મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ઉભી કરવા માટે આ ડ્રેસમાં રમી રહી છે.
