મુંબઈ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે Mumbai ખાતે મહારાષ્ટ્રના પાર્ટી કાર્યકર્તાઓને 2019ની લોકસભાની ચૂંટણીમાં શિવસેનાના સાથ વિના એકલાં હાથે લડવાની તૈયારી કરવા જણાવ્યું હતું.
મુંબઈ ખાતે રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રના ભાજપના તમામ કાર્યકર્તાઓને હાકલ કરતા રાજ્યની તમામ ૪૮ લોકસભા અને ૨૮૮ વિધાનસભા બેઠકો પર એકલા હાથે લડવા માટે સંગઠનને વધુ મજબૂત કરવા માટેનો નિર્દેશ કર્યો છે. અમિત શાહે કાર્યકરોને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની તમામ સીટો પર એવી સ્થિતિ હોવી જોઈએ કે ત્રણેય પાર્ટીઓ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સાથે લડે તો પણ ચૂંટણી ભાજપ જ જીતે,
લોકસભામાં ભાજપની મોદી સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાના વલણથી અમિત શાહ ઘણા નારાજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેનાએ પહેલા પ્રસ્તાવના વિરોધમાં વોટ કરવા માટે વ્હિપ જાહેર કર્યો હતો, પરંતુ પાછળથી તેમણે વ્હિપને પરત લઈ લીધો હતો. આ પછી શિવસેના તરફથી રાહુલ ગાંધીના ભાષણની પ્રશંસા પણ કરવામાં આવી હતી. જેના લીધે પણ ભાજપનું હાઇકમાન્ડ શિવસેનાથી નારાજ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિવસેના વર્તમાનમાં મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં બીજેપીની સાથે છે. આ ઉપરાંત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં પણ શિવસેનાને બીજેપીએ સમર્થન આપ્યું છે. આમ છતાં શિવસેના છાસવારે કેન્દ્ર અને રાજ્યની બીજેપી સરકારને નિશાન બનાવતી રહી છે. આ કારણોસર બંને પક્ષો વચ્ચે અણબનાવ વધી રહ્યો છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પક્ષના કાર્યકર્તાઓને 23 સૂત્રી કાર્યક્રમ પ્રમાણે કામ કરવા જણાવ્યું છે, જે પૈકીના આ મુદ્દાઓ મુખ્ય છે.
આ છે મુખ્ય મુદ્દાઓ
- ઓનલાઇન જોડાનાર કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવે.
- એક બુથના ફોર્મ્યુલા પર કામ કરવામાં આવે.
- દરેક બુથથી બાઇક રાખનાર પાંચ લોકોને જોડવામાં આવે.
- દરેક બુથના મંદિરની લિસ્ટ, તેના ટ્રસ્ટી અને પુજારીનો નંબર અને માહિતી ભેગી કરવામાં આવે.
- દરેક બુથમાં મસ્જિદોનું લિસ્ટ બનાવવામાં આવે.
- કોઈપણ પ્રકારના લાભાર્થીઓનું લિસ્ટ અને ડિટેલ્સ લાવવામાં આવે.
- ત્રણેય પાર્ટીઓ એક સાથે ચૂંટણી લડે તો પણ ૫૧ ટકા મતદાન બીજેપીના પક્ષમાં કરાવવાનો લક્ષ્ય.
- મુદ્રા બેન્કથી વધારેમાં વધારે લોન અપાવવાનો પ્રયત્ન.
- દરેક બુથમાં 10 એસસી, 10 એસટી અને 10 ઓબીસી કાર્યકર્તા જોડવામાં આવે.
- પ્રત્યેક પાંચ ઘર માટે એક ભાજપનો કાર્યકર્તા નક્કી કરવામાં આવે.
