ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને વોરસેસ્ટરશર સાથે કરાર કર્યો છે. આર. અશ્વિન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ ઈંગ્લેન્ડમાં જ રહીને કાઉન્ટી ચેમ્પિયનશિપના અંતિમ બે રાઉન્ડમાં ભાગ લેશે.

તે ચેલ્મ્સફોર્ડમાં એસેક્સ જ્યારે બ્લેકફિંચ ન્યુ રોડમાં યાર્કેશર વિરુદ્ધ વોરસેસ્ટરશર માટે રમશે. આ અંગે વોરસેસ્ટરશરે એક નિવેદન જાહેર કરીને આ અંગેની જાણકારી આપી હતી.

વોરસેસ્ટરશર તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં જણાવાયુ કે, પહેલા પણ ટીમ તરફથી રમી ચુકેલ ૩૧ વર્ષીય આર. અશ્વિન કાઉન્ટીના વિદેશી ખેલાડીના રુપમાં વેન પાર્નેલની જગ્યા લેશે.

આપને જણાવી દઈએ કે, વોરસેસ્ટરશરે ગત ઉનાળામાં અંતિમ ચાર મેચો માટે આર અશ્વિન સાથે કરાર કર્યો હતો અને આ ભારતીય બોલરે મેદાનની અંદર અને બહાર પ્રભાવ છોડતા ટીમને ડિવીઝન વનમાં જગ્યા અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

આર. અશ્વિને ચાર મેચોમાં બે વખત ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપવા ઉપરાંત કુલ ૨૦ વિકેટ ઝડપી હતી અને છઠ્ઠા ક્રમાંકે બેટિંગ કરતા ૪૨ની સરેરાશથી રન પણ બનાવ્યા.

વોરસેસ્ટરશર કેટલાક મહિનાઓથી અશ્વિન સાથે ફરી કરાર કરવાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ અને હવે તેને બીસીસીઆઈ તરફથી લીલીઝંડી મળી જતા તેણે આ કરાર કર્યો છે.

