વોશિંગ્ટન,
અમેરિકામાં ભારતીય દૂતાવાસની ટેલિફોન લાઈન્સને હેક કરીને છેતરપીંડીનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શંકાસ્પદ કોલ અંગે લોક જાગૃતિ ફેલાવવાનુ કામ કરતા એક સંગઠને આ મુદ્દે એડવાઈઝરી જાહેર કરી છે. તેમજ ભારતીય દૂતાવાસે આ અંગે અમેરિકન સરકારને માહિતી આપી છે.
તેમજ આ અંગે તપાસ પણ શરુ થઈ ગઈ છે. ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરતા જણાવ્યુ છે કે, છેતરપીંડીનો પ્રયત્ન કરનાર લોકો ક્રેડિટ કાર્ડની માહિતી મેળવે છે અથવા ભારતીય મૂળના લોકોને ફોન કરી તેમના પાસપોર્ટ, વીઝા ફોર્મ અને ઈમિગ્રેશન ફોર્મમાં ગડબડ થઈ હોવાનુ જણાવી પૈસા પડાવે છે.
તેમજ જો આ ગડબડ ઠીક ન કરાવી તો વીઝા કેન્સલ થશે તેવી ધમકી પણ આપે છે. અમેરિકામાં રહેતા કેટલાક ભારતીયોને આ પ્રકારના ફોન કોલ આવ્યા હતા. જેમણે ભારતીય દૂતાવાસને આ અંગે માહિતી આપી હતી, જેની તપાસ દરમિયાન સામે આવ્યુ છે કે ભારતીય દૂતાવાસની ટેલિફોન લાઈન સાથે ચેડા કરીને તે નંબરથી ભારતીય મૂળના લોકોને ફોન કરાયા હતા.
આ ખુલાસો થયા બાદ ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી એકઠી કરી તેમજ અમેરિકન સરકારને પણ જાણ કરી છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યુ છે કે, અમે કોઈને પણ ફોન કરીને વ્યક્તિગત માહિતી ફોન પર માંગતા નથી. જો કોઈ ડોક્યુમેન્ટની જરુર હોય તો તે વ્યક્તિને સત્તાવાર લેટર કે ઈમેલ મોકલવામાં આવે છે.
અમેરિકન સરકારના અધિકારી મુજબ પહેલા પણ આવા મામલા સામે આવ્યા છે મોટાભાગના કેસ યુરોપિયન એમ્બેસીમાંથી જ આવતા હતા. પહેલીવાર એવું બન્યું છે કે ભારતીય એમ્બેસીની ફોન લાઈન્સને હેક ક્રરી લેવામાં આવી. આ પ્રકારની ટેકનોલોજી સરળતાથી મળી જાય છે. જોકે આવા કેસોમાં ઠગો સુંધી પહોંચવું ખુબ જ મુશ્કેલ હોય છે.
