Iran war/ ઈરાને તુર્કીમાં આવેલા નાટો (NATO) ના બેઝ પર કર્યો ભયાનક હુમલો, 50 પરમાણુ બોમ્બ હોવાની આશંકા

મિડલ ઈસ્ટના યુદ્ધમાં મોટો વળાંક. ઈરાને તુર્કીમાં આવેલા NATOના ‘ઈન્સર્લિક એરબેસ’ પર હુમલો કર્યો. આ બેસ પર અમેરિકાના 50 પરમાણુ બોમ્બ હોવાની આશંકા.

Top Stories World
Iran Attacks NATO Base Turkey

Iran Attacks NATO Base Turkey: ઈઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલી સીધી ટક્કર વચ્ચે ઈરાને હવે એક અત્યંત જોખમી પગલું ભર્યું છે. ઈરાને તુર્કીમાં આવેલા નાટો (NATO) ના સૈન્ય એરબેસ પર ભીષણ હુમલો કરી દીધો છે. આ હુમલાએ સમગ્ર દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે, કારણ કે આ એરબેસ પર અમેરિકાના મોટી સંખ્યામાં પરમાણુ હથિયારો (Nuclear Bombs) હોવાનો અંદાજ છે. આ ઘટના બાદ મિડલ ઈસ્ટમાં જંગ વધુ ઘાતક અને વિનાશક બનવાનો ખતરો વધી ગયો છે.

ખામેનેઈના મોતનો બદલો લેવા ઈરાનનું રૌદ્ર સ્વરૂપ

ઈરાન અત્યારે ઈન્તકામના જુનૂનમાં બધું જ ભૂલી ચૂક્યું છે. તે કોઈપણ ભોગે અમેરિકા અને ઈઝરાયલ પાસેથી પોતાના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતનો બદલો લેવા માંગે છે. ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા બાદ, હવે ઈરાને દક્ષિણ તુર્કીના અદાના શહેર પાસે આવેલા ‘ઈન્સર્લિક એરબેસ’ (Incirlik Air Base) પર મિસાઈલ અને ડ્રોનથી મોટો એટેક કર્યો છે. રિપોર્ટ્સ મુજબ, નાટોની ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને હવામાં જ તોડી પાડ્યો હતો (ઈન્ટરસેપ્ટ કર્યો હતો), પરંતુ બ્લાસ્ટ અને સાયરનના અવાજોથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.

Iran Attacks NATO Base Turkey

જો મિસાઈલ ત્યાં પડી હોત તો?

આ હુમલો કેમ આટલો ડરામણો છે? સૌથી મોટી ચિંતા એ છે કે નાટો સમજૂતી હેઠળ અમેરિકાએ આ ઈન્સર્લિક એરબેસ પર આશરે 50 જેટલા ન્યુક્લિયર બોમ્બ સ્ટોર કર્યા હોવાનું મનાય છે. જો ઈરાનની કોઈ મિસાઈલ આ પરમાણુ હથિયારોના ગોદામ સુધી પહોંચી ગઈ હોત, તો દુનિયાએ કલ્પી ન શકાય તેવી તબાહી જોવી પડત અને પરમાણુ યુદ્ધ ફાટી નીકળત.

NATO ડિફેન્સ સિસ્ટમે મિસાઈલને તોડી પાડી 

AFP ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, તુર્કીના આ એરબેસ પર મધરાતે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે આશરે 3:25 વાગ્યે ભયસૂચક સાયરન વાગવાનું શરૂ થયું હતું, જે સતત 5 મિનિટ સુધી વાગતું રહ્યું અને ત્યારબાદ બેસ પર તુરંત જ ‘રેડ એલર્ટ’ જાહેર કરી દેવાયું હતું. આ ઘટનાને પગલે આખા શહેરમાં મોડે સુધી ફાયર બ્રિગેડ અને સુરક્ષા દળોની ગાડીઓના સાયરન ગુંજતા રહ્યા હતા. જોકે, આ ગંભીર પરિસ્થિતિ અંગે તુર્કી સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 4 માર્ચના રોજ પણ નાટો ડિફેન્સ સિસ્ટમે તુર્કીની એરસ્પેસમાં પ્રવેશેલી ઈરાનની એક મિસાઈલને તોડી પાડી હતી.

ચારેતરફથી નોન-સ્ટોપ એરસ્ટ્રાઈક

હવે આ જંગ અત્યંત ભીષણ બની ગઈ છે. એક તરફ ઈરાન ખાડી દેશોમાં સતત એટેક કરી રહ્યું છે અને ઈરાકમાં આવેલા ફ્રાન્સના બેસ પર પણ હુમલો કર્યો છે. તો બીજી તરફ, ઈઝરાયલ અને અમેરિકા પણ ઈરાન પર નોન-સ્ટોપ બોમ્બમારો કરી રહ્યા છે. ઈરાનની રાજધાની તેહરાન પર સતત એરસ્ટ્રાઈક થઈ રહી છે અને ઈઝરાયલે લેબનોન પર પણ હુમલા તેજ કરી દીધા છે.


આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરી એપ્સટીનની ‘ટાઈટેનિક પોઝ’ પ્રતિમા લાગતા જ હોબાળો

આ પણ વાંચો:અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની ‘સમુદ્ર ખાણ’નો કર્યો નાશ, ડોનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ચેતવણી

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી, ‘ઈરાની નૌકાદળનો નાશ કરીશું’, હોર્મુઝ સ્ટ્રેટ પર વધ્યો તણાવ